79મો કાન્સ ફેસ્ટિવલઃ માત્ર બોલિવૂડ નહીં, ગ્લોબલ ઇન્ડિયાની જમાવટ

Wednesday 20th May 2026 05:50 EDT
 
 

ફ્રાન્સના આંગણે યોજાયેલા 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનો દબદબો માત્ર ગ્લેમર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ કલાત્મક ફિલ્મો અને પ્રાદેશિક સિનેમાએ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આ વર્ષે ‘રેડ કાર્પેટ’થી લઈને ‘કાન્સ માર્કેટ’ સુધી ભારતની હાજરી નોંધપાત્ર રહી છે. આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે સાબિત કરી દીધું છે કે ભારતીય સિનેમાની ઓળખ હવે માત્ર હિન્દી ફિલ્મો પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતના વિવિધ રાજ્યોની ભાષા અને સંસ્કૃતિનો એક સંગમ બની ગઈ છે.
ઐશ્વર્યા રાયની વાત કરીએ તો, આ અભિનેત્રી છેલ્લા 24 વર્ષથી કાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી અને આ વખતે ફરી એકવાર લોરિયલ પેરિસની એમ્બેસેડર તરીકે હાજરી આપીને તેના આઇકોનિક લુક્સથી ચર્ચામાં રહી. આ જ રીતે આલિયા ભટ્ટ પણ લોરિયલની જ ગ્લોબલ એમ્બેસેડર તરીકે સતત બીજા વર્ષે રેડ કાર્પેટ પર જોવા મળી.
આલિયાના ડિઝાઇનર આઉટફીટની વિશેષતા એ હતી કે તેના પર જોવા મળતું પેઇન્ટીંગ અમદાવાદની યુવા ચિત્રકાર બાંસુરી ચોકસીએ કર્યું છે. આ જ પ્રકારે અદિતિ રાવ હૈદરીએ પણ તેની પરંપરાગત શૈલીમાં હાજર રહીને ભારતીય સુંદરતાનો પરિચય આપ્યો.
ભારતીય હિન્દી ફિલ્મઉદ્યોગના આ ચમકતા સિતારાઓની સાથે સાથે પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સે પણ કાન્સની રેડ કાર્પેટ પર વિશેષ માન મેળવ્યું હતું.
• મરાઠી સિનેમાઃ મરાઠી ફિલ્મ ઉદ્યોગના અભિનેતા અશોક સરાફ જેવા દિગ્ગજ કલાકારોનું ત્યાં હોવું એ પ્રાદેશિક પ્રતિભાનું સન્માન છે. અશોક સરાફ અને નિવેદિતા સરાફ, અભિનેત્રી પ્રાજક્તા માળી સાથે પરંપરાગત મરાઠી વેશભૂષામાં જોવા મળ્યા. મરાઠી સિનેમાએ હંમેશા તેની વાસ્તવિક અને કન્ટેન્ટ-આધારિત ફિલ્મો માટે માન મેળવ્યું છે, જે આ વખતે કાન્સના ‘માર્ચે દુ ફિલ્મ’ વિભાગમાં દેખાયું.
• પંજાબી સિનેમાઃ એમી વિર્કની ફિલ્મ ‘ચડ્ડીકલા’ના પ્રમોશન સાથે પંજાબી સિનેમાએ પણ પોતાની વ્યાપારી અને સાંસ્કૃતિક તાકાત બતાવી છે.
• ગુજરાતી સિનેમાઃ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ પણ કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યું અભિનેત્રી માનસી પારેખ અને ગાયક-નિર્માતા પાર્થિવ ગોહિલ ગુજરાતી ફિલ્મોના પ્રતિનિધિત્વ માટે કાન્સ પહોંચ્યા છે.
• મલયાલમ સિનેમાઃ મલયાલમ ફિલ્મો વર્ષોથી તેની ગહન વાર્તાઓ માટે જાણીતી છે. આ વર્ષે કાન્સ ક્લાસિક્સમાં ‘અમ્મા અરીયાન’ જેવી ફિલ્મોનું રિસ્ટોરેશન દર્શાવવું એ દક્ષિણ ભારતીય સિનેમાના બૌદ્ધિક સ્તરની સ્વીકૃતિ છે.

‘ગ્લોબલ ઇન્ડિયા’નો નવો અભિગમ

પહેલા કાન્સ એટલે માત્ર ઐશ્વર્યા રાય કે દીપિકા પાદુકોણના ડ્રેસની ચર્ચા થતી, પણ હવે ચર્ચા ‘ફિલ્મ બજાર’ અને ‘કો-પ્રોડક્શન’ની થઈ રહી છે.
ટેકનોલોજી અને હેરિટેજ: ભારત સરકારે કાન્સમાં ‘ભારત પેવેલિયન’ દ્વારા જે પ્રકારે પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન આપ્યું છે, તેનાથી વિશ્વભરના નિર્માતાઓ હવે પ્રાદેશિક વાર્તાઓમાં રોકાણ કરવા પ્રેરાયા છે. આ વખતે કાન્સમાં ભારત એક ‘બ્રાન્ડ’ તરીકે ઉભર્યું છે, જેમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીની વિવિધતા જોવા મળી. આ ‘વૈશ્વિક ભારત’ ખરેખર ભારતની સોફ્ટ પાવરને દુનિયા સામે મજબૂત રીતે રજૂ કરી રહ્યું છે.

વિશેષ પ્રતિનિધિત્વ

• ગૂનીત મોંગા કપૂર: ઓસ્કાર વિજેતા ગૂનીત મોંગાએ ‘વુમન ઇન ફિલ્મ ઇન્ડિયા’ (WIFI) દ્વારા ભારતીય મહિલા પ્રોડ્યુસર્સને કાન્સના પ્રોડ્યુસર્સ નેટવર્કમાં મોકલવાની પહેલ કરી, જેણે ભારતીય મહિલા ફિલ્મ નિર્માતાઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
• ડિજિટલ ક્રિએટર્સ: આ વર્ષે મોટી સંખ્યામાં ભારતીય ઇન્ફ્લુએન્સર્સ (જેમ કે ઈશિતા મંગલ, રિદા થારાના અને સુફી મોતીવાલા)એ પણ કાન્સના રેડ કાર્પેટ પર સ્થાન મેળવીને બદલાતા યુગની ઓળખ આપી છે.
આમ, 79મા કાન્સ ફેસ્ટિવલમાં ભારત માત્ર બોલિવૂડ પૂરતું મર્યાદિત ન રહેતા પંજાબી, મરાઠી, ગુજરાતી અને મલયાલમ સિનેમાના માધ્યમથી ‘વૈશ્વિક ભારત’ તરીકે ઉભરી આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter