પીઢ અભિનેત્રી અને સ્વ. દિલીપ કુમારનાં પત્ની સાયરાબાનુએ પોતાના 81મા જન્મદિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જોઇન કર્યું છે. તેમણે પતિ દિલીપ કુમારની સાથેની પોતાની યાદગાર તસવીરો પણ શેર કરી છે. વીતેલા જમાનાના જાજરમાન અભિનેત્રીએ એક્સ પર પોતાની પ્રથમ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, આજે વયમાં હું વધુ એક વરસ મોટી થઇ છું. આ સાથે તેમણે પોતાની યુવાનીની બર્થ ડે કેક કટ કરતી એક તસવીર શેર કરી છે. જેમાં અભિનેત્રી ટુ-ટાયર કેક કાપતાં જોવા મળે છે. બીજી તસવીર તેમની અને દિલીપ કુમાર સાથેની છે, જેમાં તેઓ વૃદ્ધાવસ્થાને આરે કેક કટ કરતાં જોવા મળી રહ્યા છે. સાયરાબાનુ બન્ને તસવીરમાં ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. પીઢ અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મને તમારા લોકો સાથે મારા જીવનની સુખદ પળો શેર કરવાનું મન થયું છે. દિલીપ સાહેબની યાદો હજી મારા દિલોદિમાગમાં જ છે. સાયરાએ ઇન્સ્ટાગ્રામ પર પણ દિલીપ સાહેબ સાથેની યાદગાર પળોને શેર કરી છે. સાથે સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે કેક કાપી રહ્યાં છે અને તેમની બાજુમાં ગાયિકા લતા મંગેશકર ઊભેલા જોવા મળે છે. તેમણે લખ્યું છે કે, હંમેશાથી મારી બર્થ ડે એક યાદગાર રહેતી હોવાથી હું આ પ્રસંગ તમારી સાથે શેર કર્યા વિના રહી શકતી નથી.