NCBનો આરોપઃ રિયા ડ્રગ્સ લાવી...સુશાંતને સપ્લાય કર્યું

Wednesday 20th July 2022 07:36 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુકેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આખરે ચાર્જશીટ ફાઈલ કરી છે. એનસીબીએ 13 જુલાઇએ ફાઇલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી જ ડ્રગ્સ લાવી હતી અને તેણે જ સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું. ચાર્જશીટમાં રિયાના ભાઈ શોવિક સહિત 35 લોકોને આરોપી બનાવ્યા છે. હવે સ્પેશિયલ કોર્ટમાં 27 જુલાઈએ આ કેસની સુનાવણી થશે. જો રિયા દોષિત ઠરશે તો તેને 10 વર્ષની કેદ થઈ શકે છે. નોંધનીય છે કે 2020માં 14 જૂને સુશાંતનો મૃતદેહ તેના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ પછી સુશાંતના પરિવારે રિયા અને તેના પરિવાર પર ગંભીર આરોપો મૂક્યા હતા. રિયા અને સુશાંત રિલેશનમાં હતાં અને લિવ ઇનમાં રહેતાં હતા. સુશાંતના મોતના એક સપ્તાહ અગાઉ જ રિયા તેનું ઘર છોડીને જતી રહી હતી.
‘રિયાએ સુશાંતને ડ્રગ્સની લતે ચડાવ્યો’
એનસીબીએ આરોપ મૂક્યો હતો કે રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીએ એક વાર નહીં પણ અનેક વાર ડ્રગ્સની ખરીદી કરી હતી. અને રિયા ચક્રવર્તીએ જ સુશાંતને નશાની લતે ચડાવ્યો હતો. આ કેસમાં એક મહિનો જેલમાં રહ્યા બાદ રિયા હાલ જામીન પર છૂટેલી છે. પણ હવે જે રીતે એનસીબી દાવો કરી રહ્યો છે તેથી સવાલ ઊઠી રહ્યા છે કે રિયાને ફરીથી પકડવામાં આવશે કે કેમ? શું તે ફરીથી જેલમાં જશે? જો રિયા દોષિત જાહેર થશે તો તેને કેટલી સજા થશે?
કાયદાના નિષ્ણાતો અનુસાર જો રિયા પરના તમામ આરોપો સાબિત થશે તો તેને 10થી 20 વર્ષની કેદની સજા થઈ શકે છે. તેના ભાઈ પર વધારે ગંભીર આરોપો છે તેને પણ કોર્ટ દોષિત જાહેર કરે તો તેને 15થી 20 વર્ષની કેદની સજા થઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter