અક્ષય કુમારની ‘સમુક’નું શૂટિંગ લંડનમાં શરૂ

Sunday 06th September 2026 07:20 EDT
 
 

અભિનેતા અક્ષય કુમારે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયનની રહસ્યમય દુનિયા આસપાસ વણાયેલી આ ફિલ્મ માટે અક્ષય કુમાર અને નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી છે. બન્નેની આ સાતમી ફિલ્મ છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મનું અંદાજે 90 ટકા શૂટિંગ લંડનમાં જ્યારે બાકીના હિસ્સાનું શૂટિંગ મુંબઈમાં થશે. નિર્માતાઓએ ફિલ્મ શૂટિંગને અલગ-અલગ તબક્કામાં વહેંચવાને બદલે એક જ સળંગ શિડ્યુલમાં પૂરું કરવાની યોજના બનાવી છે. ફિલ્મ પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું. ‘સમુક’માં સૈન્યની વાસ્તવિકતા, સર્વાઇવલ હોરર અને એલિયન માયથોલોજીનું અનોખું કોમ્બિનેશન જોવા મળશે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવામાં નિર્માતાઓએ વિદેશી ટેક્નિકલ નિષ્ણાતોની પણ મદદ લીધી છે. તેમાં એકેડેમી એવોર્ડ માટે નોમિનેટેડ ક્રિચર ઇફેક્ટ્સ ડિઝાઇનર એલેક ગિલિસનો પણ સમાવેશ થાય છે. ‘એલિયન’ અને ‘પ્રિડેટર’ જેવી જાણીતી ક્રિચર આધારિત ફ્રેન્ચાઈઝી સાથે કામ કરી ચૂકેલા ગિલિસે ‘સમુક’ માટે ફિલ્મના મુખ્ય એલિયન ક્રિચરને ડિઝાઈન કર્યું છે. ફિલ્મના એક્શન સિક્વન્સની જવાબદારી બ્રિટિશ એક્શન ડિરેક્ટર લ્યુક ટમ્બર સંભાળી રહ્યા છે. ફિલ્મમાં મોટા પાયે પ્રેક્ટિકલ ફિલ્મમેકિંગનો ઉપયોગ કરાઇ રહ્યો છે. એટલે કે, એલિયનના ક્રિચર અને એક્શનને શક્ય તેટલું લાઈવ-એક્શન વાતાવરણમાં વાસ્તવિક રીતે રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter