અક્ષયકુમાર આસામ અને બિહાર પૂર પીડિતોની મદદે

Friday 21st August 2020 16:23 EDT
 
 

મુંબઈઃ આસામમા ભારે વરસાદ અને પૂરથી અતિ તારાજી સર્જાઈ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પછી હવે અક્ષય કુમારે પણ આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરી છે. અક્ષયકુમારે પૂરપીડિતો માટે રૂ. એક કરોડનું દાન કર્યું છે. બંને રાજ્યોના મુખ્ય પ્રધાનોએ અક્ષયનો આભાર માન્યો છે.
આસામ અને બિહારમાં પૂરના લીધે ઘણા સ્થળ જળબંબાકાર થયાં હતાં. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ બચાવ અભિયાનમાં વ્યસ્ત બની છે. આસામમાં ૧૪, ૨૦૫ લોકો પૂરથી પ્રભાવિત થયા છે જ્યારે ૧૩૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં ૧૬ જિલ્લા પ્રભાવિત થયા છે.
અક્ષય છાશવારે આર્મી જવાનો તથા તેના પરિવારને આર્થિક મદદ કરવા જાણીતો છે. આ ઉપરાંત તેણે અગાઉ કોરોના મહામારી સામે લડવા રૂ. ૨૫ કરોડ પીએમ કેર્સ ફંડમાં અને રૂ. ૩ કરોડ બૃહદ મુંબઇ નગર પાલિકાને દાન આપ્યું છે. પીપીઇ કિટ, માસ્ક અને ટેસ્ટિંગ કિટનું દાન તેણે કર્યું છે. પોલીસ ફોઉન્ડેશનને પણ કોરોના વાઈરસની લડાઇમાં મદદ માટે તેણે રૂ. ૨ કરોડનું દાન આપ્યું છે. મુંબઇ અને નાસિક પોલીસને કોરોનાના લક્ષણોને ટ્રેક કરનારી કુલ ૧૫૦૦ સ્માર્ટ વોચ ભેટ આપી છે. જેનો ઉપયોગ પોલીસના અગ્રમી પંક્તિના કાર્યકર્તાઓ જેઓ ૪૫થી વધુ વરસના છે તેઓ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter