એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાની તપાસ ચાલી રહી છે તે વચ્ચે અક્ષય કુમારે તાજેતરમાં સ્વીકાર્યું છે કે, બોલિવૂડમાં ડ્રગ્સની સમસ્યા છે. અક્ષયે આખરે સુશાંતના મોત અને એના પછી ડ્રગ્સ કાંડ વિશે મૌન તોડતાં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, આજે હું થોડા ભારે હૃદયે તમારી સાથે વાત કરી રહ્યો છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં અનેક વાતો કહેવાનો વિચાર થયો હતો, પરંતુ ચારે બાજુ એટલી બધી નકારાત્મકતા છે કે સમજાયું નહીં કે શું? કેટલું અને કોને કહું?
સુશાંતસિંહ રાજપૂતના ઓચિંતા નિધન પછી એવા અનેક મામલાઓ બહાર આવ્યા છે કે જેનાથી તમારી જેટલું જ દુઃખ અમને પણ થયું છે. અત્યારે નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિશે વાતચીત થઈ રહી છે. હું આજે મારા હૃદય પર હાથ મૂકીને કેવી રીતે તમને બધાને ખોટી વાત કહું કે, આ સમસ્યાનું અસ્તિત્વ જ નથી. ચોક્કસ જ સમસ્યા છે. દરેક ઇન્ડસ્ટ્રીમાં અને દરેક વ્યવસાયમાં સમસ્યાઓ હોય છે એ જ રીતે અહીં પણ સમસ્યાઓ છે, પરંતુ દરેક પ્રોફેશનની દરેક વ્યક્તિ એમાં સંકળાયેલી હોય એમ ન હોય શકે.
તેણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે આપણી તપાસ એજન્સીઓ, ઓથોરિટી અને અદાલત જે પણ તપાસ, એક્શન લઈ રહી છે એ બિલકુલ યોગ્ય જ રહેશે. હું એ પણ જાણું છું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ તેમને પૂરેપૂરો સહયોગ આપશે.