અક્ષયનું આત્મનિર્ભર ભારતઃ PUBG સામે FAU-G, ૨૦ ટકા કમાણી સૈનિકોને

Saturday 12th September 2020 08:11 EDT
 
 

ભારત સરકારે ગત દિવસોમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ‘પબજી’ મોબાઈલ સહિત ૧૧૮ વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના પછી લાખો યુઝર્સ પબજીના વિકલ્પરૂપે બીજી ગેમ શોધી રહ્યા છે. આ સમયે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તરફથી પ્રથમ મેડ-ઈન-ઈન્ડિયા બેટલ રોયલ ગેમ ‘FAU-G’ની જાહેરાત કરાઈ છે.
અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નવી ગેમ વિશે માહિતી આપતાં ટિ્વટ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને સપોર્ટ કરી હું એક એક્શન ગેમ FAU-G (‘Fearless And United-Guards’) લોન્ચ કરવાનો છું. મનોરંજન ઉપરાંત પ્લેયર્સ આપણા સૈનિકોની શહીદી વિશે પણ તેનાથી શીખી શકશે. આ ગેમમાંથી મળનારી આવકનો ૨૦ ટકા હિસ્સો ભારતના વીર ટ્રસ્ટને અપાશે, જે સેના સાથે સંકળાયેલા લોકો માટે કામ કરે છે.

એટલે કે ‘પબજી’ પરના પ્રતિબંધના કારણે પરેશાન પ્લેયરોએ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે તેઓ આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરીને નવી ગેમ રમી શકશે.

પબજીની પેરન્ટ કંપનીને ફટકો

ભારતમાં પબજી પર પ્રતિબંધ મૂકાતાં તેની પેરન્ટ કંપની ટેનસેન્ટને મોટો આંચકો લાગ્યો છે. ભારતમાં પ્રતિબંધ મૂકાયાના બે જ દિવસમાં તેનું માર્કેટકેપ ૨.૪૮ લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. આ ચાલુ વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો છે. બ્લુમબર્ગના જણાવ્યા મુજબ ગયા મહિને કંપનીએ લગભગ ૪.૮૧ લાખ કરોડ રૂપિયાનું માર્કેટકેપ ગુમાવ્યું હતું. તે સમયે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કંપનીની એપ વીચેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ભારતમાં પબજીની રેવન્યૂ હિસ્સેદારી પાંચ ટકાથી પણ ઓછી છે પરંતુ ભારત સરકારના પગલાથી તેની શાખ વિશ્વભરમાં ઘટી છે. આથી ચીની કંપનીના શેર સતત ઘટી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter