અગલી બાર ઝટકા હી મિલેગા સલમાનને ઈ-મેઈલથી ધમકી

Wednesday 22nd March 2023 07:42 EDT
 
 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપતા કહ્યું હતું કે આ ધમકીને ધ્યાનમાં રાખીને પોલીસે અભિનેતાની સુરક્ષામાં પણ વધારો કર્યો છે. એકટર સલમાનના મેનેજર અને નજીકના સહયોગી પ્રશાંત ગુંજલકરે શનિવારે મોડી રાત્રે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં બ્રાર, બિશ્નોઈ અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ અભિનેતાને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે ખાનની ટીમના એક મેમ્બરને શનિવારે સાંજે રોહિત ગર્ગ નામના કોઈ વ્યક્તિ તરફથી ઈ-મેલ મળ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અભિનેતા સાથે રૂબરૂ વાત કરવા માંગે છે. તેણે પંજાબના ગેંગસ્ટર બિશ્નોઈના તાજેતરના ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમાં બિશ્નોઈએ કહ્યું હતું કે ખાનને મારી નાખવો તે તેના જીવનનું લક્ષ્ય છે.
તિહાર જેલમાં પોતાના સેલમાંથી એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં બિશ્નોઈએ કહ્યું કે જો અભિનેતા રાજસ્થાનમાં તેમના મંદિરમાં કાળિયાર મારવા બદલ બિશ્નોઈ સમુદાયની માફી માંગે તો સમગ્ર વિવાદનો ઉકેલ આવી શકે છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, સલમાને કાળિયાર હરણનો શિકાર કરીને બિશ્નોઈ સમાજનું અપમાન કર્યું છે. બિશ્નોઇએ કહ્યું કે, જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને બિશ્નોઈ સમાજ જે કાળિયાર હરણની પૂજા કરે છે તેનો શિકાર કર્યો હતો. તેના મનમાં ત્યારથી જ સલમાન પ્રત્યે ગુસ્સો છે. સલમાને અમારા સમાજને નીચો બતાવ્યો છે. અમે તેનું અભિમાન તોડીશું. અમારા સમાજમાં જીવજંતુઓ અને ઝાડ-છોડની પૂજા કરવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે સલમાન અમારા સમાજની સામે આવીને માફી માગે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન 1998માં હમ સાથ સાથ હૈના શૂટિંગ માટે રાજસ્થાન ગયો હતો. અહીંયા તેણે કાળિયારનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમાજે સલમાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષ કેદની સજા સંભળાવી હતી. જોકે, આ કેસમાં હાલ તે જામીન પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter