બોલિવૂડના બે પરિવારોએ 24 જ કલાકના સમયગાળામાં તેમનાં આપ્તજનો ગુમાવ્યાં હતાં. વિતેલાં વર્ષોની અભિનેત્રી સુલક્ષણા પંડિતે 71 વર્ષની વયે ગઈ મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા. બીજી તરફ સુઝાન ખાનની માતા ઝરીન ખાનનું પણ 81 વર્ષની વયે નિધન થયું છે. આંચકાજનક વાત એ છે કે સુલક્ષણા અને ઝરીન ખાન બંનેનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું.
બોલિવૂડ પોતાના જ કેટલાક કલાકારોની કેવી ઉપેક્ષા કરે છે તે આ દુખદ ઘટનાક્રમ વેળા સાબિત થયું હતું. સુઝાન ખાનને આશ્વાસન આપવા માટે એક્સ હસબન્ડ હૃતિક રોશન ઉપરાંત જેકી શ્રોફ, બોબી દેઓલ, ભાગ્યશ્રી, જયા બચ્ચન, રાણી મુખરજી, ગૌરી ખાન સહિત અનેક હસ્તીઓ ઉમટી હતી. જ્યારે સુલક્ષણા પંડિતની શુક્રવારે યોજાયેલી અંતિમ યાત્રામાં બહેન વિજયેતા પંડિત સહિતના પરિવારજનોને બાદ કરતાં પુનમ ધિલ્લોન સહિત બોલીવૂડમાંથી બે-ચાર લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ એ છે કે સુલક્ષણા પંડિતે સંજીવ કુમારની પુણ્યતિથિના દિવસે જ અંતિમ શ્વાસ લીધા હતા. એ જાણીતી વાત છે કે સુલક્ષણા સંજીવ કુમાર સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.


