અજય દેવગણ અને સૂર્યા બેસ્ટ એક્ટરઃ ‘સોરારઈ પોટરુ’ને સૌથી વધુ પાંચ એવોર્ડ

Wednesday 27th July 2022 07:04 EDT
 
 

વર્ષ 2020 માટેના 68મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયા છે જેમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અજય દેવગણ (‘તાન્હાજી - ધી અનસંગ વોરિયર’) અને સૂર્યા (‘સોરારઈ પોટરુ’)ને સંયુક્ત રીતે મળ્યો છે. તમિળ ફિલ્મ આ વર્ષે તમિળ ફિલ્મ ‘સોરારઈ પોટરુ’ બેસ્ટ એક્ટર ઉપરાંત બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે અને બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમ પાંચ કેટેગરીમાં એવોર્ડ મેળવીને છવાઈ ગઈ છે.
અજય દેવગણનો આ ત્રીજો નેશનલ એવોર્ડ છે. આ અગાઉ તે ‘જખ્મ’ તથા ‘ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યો છે. 2020નું વર્ષ કોવિડના કારણે સિનેમાગજગત માટે પડકારજનક રહ્યું હતું. કેટલાય ફિલ્મ મેકર્સને તેમની ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે જ સાઉથ ઈન્ડિયાની ફિલ્મોએ સમગ્ર ભારતમાં ઓડિયન્સ મેળવ્યું હતું. અનેક પડકારો વચ્ચે પણ કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મો બની હતી. ‘સોરારઈ પોટરુ’ પણ તેમાંની જ એક ફિલ્મ છે. પાંચ પાંચ કેટેગરીમાં એવોર્ડ મેળવીને છવાઇ જનારી ‘સોરારઈ પોટરુ’ની હિંદી રિમેક બની રહી છે. તેમાં અક્ષય કુમાર કામ કરવાનો છે. આ ફિલ્મ ભારતમાં લો કોસ્ટ એરલાઈન્સના પ્રણેતા કેપ્ટન ગોપીનાથના જીવન પર આધારિત છે.
હિંદી ફિલ્મના સાઈના માટે મનોજ મુંતશીરને લિરિક્સનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે. પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજને નોન-ફીચર કેટેગરીની ફિલ્મ ‘123 કિમીઃ મારેંગે તો વહી જાકર’ માટે મળ્યો છે. મધ્ય પ્રદેશને બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ જાહેર કરાયું છે.

મુખ્ય એવોર્ડની યાદી

બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘સોરારઈ પોટરુ’
બેસ્ટ પોપ્યુલર ફિલ્મઃ ‘તાન્હાજી - ધી અનસંગ વોરિયર’
બેસ્ટ ફિલ્મ (સોશિયલ ઈશ્યુ)ઃ ‘ફ્યુનરલ’ (મરાઠી)
બેસ્ટ એક્ટરઃ અજય દેવગણ (‘તાન્હાજી - ધી અનસંગ વોરિયર’) અને સૂર્યા (‘સોરારઈ પોટરુ’)
બેસ્ટ એક્ટ્રેસઃ અપર્ણા બાલમુરારી (‘સોરારઈ પોટરુ’)
દિગ્દર્શનઃ સચ્ચિદાનંદ કે.આર. (મલયાલમ ફિલ્મ ‘એ.કે. અય્યાપનુમ કોશિયમ’)
સપોર્ટિંગ એક્ટ્રેસઃ લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (તમિલ ફિલ્મ ‘શિવરંજનીયમ ઈન્નુમ સિલા પેન્ગાલુમ’)
સપોર્ટિંગ એક્ટરઃ બિજુ મેનન (મલયાલમ ‘એ.કે. અય્યાપનુમ કોશિયમ’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter