પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ વીડિયોમાં તે રડતાં રડતાં સમગ્ર બોલિવૂડ ફેક છે તેવું પણ બોલી રહ્યો છે.
બાબિલના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ થયેલો આ વીડિયો ટૂંક સમયમાં જ ડિલીટ કરી દેવાયો હતો. જોકે, ત્યાં સુધીમાં તો તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો. બાદમાં બાબિલની ટીમે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બાબિલ હાલ માનસિક પડકારોનો સામનો કરી રહ્યો છે. તે વાસ્તવમાં આ તમામ કલાકારો માટે અતિશય આદર ધરાવે છે અને તેમનાં પ્રદાનનો પ્રશંસક છે. બાબિલની ટીમે સૌને આ વીડિયોને ટૂકડે ટૂકડે નહિ, પરંતુ સમગ્ર સંદર્ભમાં સમજવા અપીલ કરી છે.
બાબિલે જે કલાકારોનો નામોલેલ્લેખ કર્યો છે તેમાંથી કેટલાકે બાબિલની માતા સુતપા સાથે વાત કરી હતી. સુતપાએ બાબિલ હાલ એન્કઝાઈટી એટેક્સની સમસ્યાનો સામનો કરી રહ્યો હોવાનું જણાવ્યું હોવાનો દાવો કરાયો હતો. બાદમાં બાબિલે સ્પષ્ટતા કરતો વીડિયો રિલીઝ કર્યો હતો, અને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી. અનન્યાએ પણ તેના આ નિવેદનને આવકારતાં વીડિયો રિ-શેર કર્યો હતો.