અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

Sunday 01st February 2026 08:22 EST
 
 

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું. જોકે હવે હવે રહેમાનના નિવેદનની આલોચના કરતાં ભજનગાયક અનૂપ જલોટાએ પ્રતિક્રિયા આપી છે. ભજનગાયક અનુપ જલોટાએ એક ઈન્ટરવ્યુમાં કોમી પૂર્વગ્રહ સામે અંગૂલિનિર્દેશ કરતા રહેમાનના નિવેદનની આલોચના કરતાં કહ્યું કે, 'સંગીતકાર એ.આર. રહેમાન પહેલાં હિંદુ હતા. તે પછી ઈસ્લામ ધર્મ અપનાવીને ખુબ કામ કર્યું. ખુબ નામના મેળવી. લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું, પરંતુ તેમને એ વાતનો વિશ્વાસ હોય કે મુસ્લિમ હોવાને કારણે તેમને ફિલ્મો નથી મળી રહી તો પછી તેમણે પાછા હિંદુ બની જવું જોઈએ. તેમને ભરોસો હોવો જોઇએ કે ફરી હિંદુ બન્યા પછી તેમને ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થઈ જશે. હિંદુ બની જાઓ અને ફરી ટ્રાય કરો કે તમને ફરી ફિલ્મ મળે છે કે નહીં?’ જોકે રહેમાન પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે ‘સંગીત હંમેશા મારા માટે સંસ્કૃતિ સાથે જોડાવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારી પ્રેરણા અને મારું ઘર છે. ક્યારેક ઈરાદાને ખોટી રીતે સમજવામાં આવે છે. મેં કદી કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી ધરાવ્યો. આશા છે કે મારા કથનની સચ્ચાઈનો અહેસાસ થશે.” રહેમાન હાલમાં નિતેશ તિવારીની આવી રહેલી ફિલ્મ ‘રામાયણ’ પર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેઓ ગ્રેમી વિનર હાન્સ જિમર સાથે મળીને સંગીત આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter