અનુપમે અક્ષય-આમિર પર નિશાન સાધ્યું?

Sunday 28th August 2022 08:45 EDT
 
 

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયકુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ પર લથડિયા ખાઈ રહી છે. પહેલા વીકમાં જ બંને ફિલ્મના અનેક શો ખાલી રહ્યા છે. અનેક થિયેટરમાં તો શો રદ કરવા પડ્યા છે. આ અગાઉ બચ્ચન પાંડે, શમશેરા જેવી બિગ બજેટ ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. બોલિવૂડ ફિલ્મોની એકધારી નિષ્ફળતા સંદર્ભે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો છે. આમિર કે અક્ષયનું નામ લીધા વગર તેમણે બંને સ્ટાર્સની મજાક પણ ઉડાવી છે.
અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છેઃ ‘સુપરસ્ટાર્સઃ એક એક્ટર ગમે તેવો સારો હોય, પરંતુ તેને સુપરસ્ટાર કહેવાનું માપદંડ ફિલ્મોની ઈન્કમ પર નિર્ભર રહે છે. હું તમારી બધાની સાથે બે સુપરસ્ટારનો ફોટોગ્રાફ શેર કરું છે. આ વર્ષે મારી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સે વર્લ્ડવાઈડ રૂ. 350 કરોડનું કલેક્શન કર્યું છે. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા-2ને લગભગ રૂ. 250 કરોડનો બિઝનેસ મળ્યો છે. હવે સમય બદલાઈ રહ્યો છે અને દર્શકોની પસંદ તથા સિસ્ટમ પણ બદલાઈ રહ્યા છે.’ અનુપમ ખેરે વધુમાં જણાવ્યું હતું કે, ‘કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે, એક દિવસ એવો આવશે જ્યારે કાશ્મીર ફાઈલ્સ જેવી મારી ફિલ્મ રૂ. 350 કરોડનો બિઝનેસ કરી જશે. આ બદલાવનો હું સ્વીકાર કરું છું. આશા છે કે તમે પણ કરશો. કાર્તિકને મળીને ખૂબ આનંદ થયો. એક્ટર અને સુપરસ્ટારના રૂપમાં તેણે અહીં લાંબો સમય રહેવાનું છે. હું તો પાછલા 40 વર્ષથી દોડી રહ્યો છું અને હજુ ઘણાં વર્ષ દોડવાનું છે તથા કાર્તિક જેવા યુવાનો સાથે કોમ્પિટ કરવાનું છે. જય હો.’ અનુપમ ખેરની આ પોસ્ટને હજારો કોમેન્ટ્સ મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter