જાણીતા લેખક અને અભિનેતા પીયૂષ મિશ્રાએ અનુરાગ કશ્યપ સાથે ‘ગુલાલ’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, પીયૂષ મિશ્રાએ અનુરાગ કશ્યપની હાજરીમાં જ તેની ફિલ્મ 'ગુલાલ’ની આકરી ટીકા કરી. આ દરમિયાન અનુરાગ કશ્યપ હસતો જોવા મળ્યો હતો, પણ તેના હાવભાવ જોઈને લાગતું હતું કે તે થોડો અસહજ થઈ ગયો છે. પીયૂષ મિશ્રાએ કહ્યું, ‘ગુલાલને હું યાદ નથી કરતો. ગુલાલ તો, યાર, માફ કરજે અનુરાગ, એનો બીજો ભાગ ખબર નહીં શું હતો... ખબર નહીં અનુરાગ ક્યાં જતો રહ્યો. અનુરાગની તકલીફ એ છે કે અડધી ફિલ્મ બનાવ્યા પછી તેને લાગે છે કે બહુ સરસ ફિલ્મ બની રહી છે, પછી તેને લાગે છે કે હવે ફિલ્મને બગાડીને જોઈએ. બીજો ભાગ બગાડી દઈએ તો મજા આવશે. એની અંદર આ ખામી છે. તેણે પોતાની બધી ફિલ્મો સાથે આવું કર્યું છે. દેવ ડીને જ જોઈ લો. પહેલો ભાગ ક્લાસિક હતો, અને પછી તેણે એને બરબાદ કરી દીધો.’
આ દરમિયાન અનુરાગ કશ્યપ ચૂપચાપ પીયૂષ મિશ્રાની વાતને હસતો હસતો સાંભળતો રહ્યો. બાદમાં તેણે પણ મજાક કરતાં કહ્યું, ‘એમની સાથે પણ એક તકલીફ છે, એમની સાથે હંમેશા એક અદૃશ્ય હાર્મોનિયમ ચાલતું રહે છે.’