અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર કરેલા દુષ્કર્મના આરોપોને ફગાવતા ખોટા અને પાયાવિહોણા ગણાવતાં અનુરાગે જણાવ્યું છે કે, એફઆઇઆરમાં પાયલે જે આરોપોનાં ઉલ્લેખ કર્યાં છે તે સમયે તે દેશની બહાર શ્રીલંકામાં હતો. અનુરાગની પહેલી ઓક્ટોબરે વર્સોવા પોલીસ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. તે પછી બીજી ઓક્ટોબરે અનુરાગનાં વકીલ પ્રિયંકા ખિમાણીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, પાયલ ઘોષે આરોપ કર્યાં છે તે સમયમાં ઓગસ્ટ ૨૦૧૩માં મારા અસીલ અનુરાગ કશ્યપ શ્રીલંકામાં ફિલ્મનું શૂટ કરતા હતા. જે અંગેના દસ્તાવેજી પુરાવા પણ પોલીસને આપ્યા છે. ખિમાણીએ જણાવ્યું કે, પાયલ ફોજદારી ન્યાયતંત્રનો દુરુપયોગ કરી રહી છે અને પોતાનાં સ્થાપિત હિતો માટે મીટુ ચળવળનો લાભ લઈ રહી છે.