... અને જેક્વેલિનનું જૂઠ પકડાઇ ગયું

Friday 27th May 2022 09:16 EDT
 
 

અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝની વિદેશ જવાની મુરાદ પર પાણી ફરી વળ્યું છે. વિદેશ જવા માટે તેણે કોર્ટમાં કરેલી અરજીમાં દર્શાવેલાં કારણો ખોટાં હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તપાસમાં પુરવાર થયું છે. ઈડીએ આ મામલે કોર્ટમાં વિગતો રજૂ કરતાં જ જેક્વેલિને વિદેશ જવાની મંજૂરી માગતી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે જેક્વેલિન ખંડણી સહિતના આરોપોના કારણોસર જેલવાસ ભોગવી રહેલા સુકેશ ચન્દ્રશેખર સાથેના સંબંધો અને તેની પાસેથી કરોડો રૂપિયાની ગિફ્ટસ સ્વીકારવાના મુદ્દે તપાસનો સામનો કરી રહી છે. આ જ કારણસર ગયા ડિસેમ્બરમાં પણ તેને મુંબઈ એરપોર્ટ પરથી વિદેશ જતાં અટકાવાઇ હતી. આ વખતે જેક્વેલિને દિલ્હીની કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતું કે પોતાને અબુધાબી ‘આઈફા’ એવોર્ડ સમારોહ અને ફ્રાન્સ ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાનું છે. આ ઉપરાંત નેપાળમાં આયોજિત એક ઇવેન્ટમાં હાજરી આપવાની છે. જોકે ઇડીએ તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે અબુધાબીની એવોર્ડ નાઈટ મુલત્વી થઈ ગઈ છે અને ફ્રાન્સ જવા તેણે આપેલા દસ્તાવેજો પણ અપૂરતા છે. જ્યારે નેપાળની ઇવેન્ટમાં તો તેને આમંત્રણ જ નથી. ઈડીએ કોર્ટમાં આ વિગતો રજૂ કરતાં જ જેક્વેલિનને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. જેક્વેલિનની મુશ્કેલી હજુ વધી શકે છે. તે નજીકના ભવિષ્યમાં કોઈ વિદેશ પ્રવાસે જઈ શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. તેના કારણે તેની કારકિર્દી પર પણ માઠી અસર થવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter