મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેમને અભિનયની હરતીફરતી યુનિવર્સિટી કહે છે એવા અભિનયના શહેનશાહ દિલીપ કુમાર ૧૧ ડિસેમ્બરે ૯૮ વર્ષના થયા છે. ૧૯૨૨ના ડિસેમ્બરની ૧૧મીએ પેશાવર (હાલ પાકિસ્તાન)માં જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ યુસુફ સરવર ખાન છે. મુંબઇના ક્રાફર્ડ માર્કેટમાં ફળોની દુકાન ધરાવનારા સરવર ખાનના આ નબીરામાં રહેલી અભિનય પ્રતિભા બોમ્બે ટોકિઝના સહમાલિક કમ અભિનેત્રી દેવીકા રાણીએ ઓળખી હતી અને એને પૂછેલું કે ઊર્દૂ ભાષા આવડે છે? યુસુફે હા પાડી ત્યારે દેવીકા રાણીએ એને ત્રણ નામ સૂચવ્યાંઃ વાસુદેવ, જહાંગીર અને દિલીપ. પોતાનો પરિવાર રૂઢિચુસ્ત અને ફિલ્મો વિરુદ્ધ હોવાથી યુસુફને નામ બદલવામાં વાંધો નહોતો. એણે દિલીપ નામ પસંદ કર્યું. પહેલી ફિલ્મ જ્વારભાટા ૧૯૪૪માં રજૂ થઇ, પરંતુ ધારી સફળતા ન મળી. આ પછી પણ થોડીક નબળી ફિલ્મો કરી. જોકે મહેબૂબ ખાનની ‘અંદાજ’માં રાજ કપૂર અને નરગિસ સાથે ચમક્યા બાદ રાતોરાત તેઓ ટોચના સ્ટાર્સમાં ગણાવા લાગ્યા. લગભગ અડધી સદીની કારકિર્દીમાં દિલીપ કુમારે ખાસ પસંદગીની માંડ ૭૫ ફિલ્મો કરી છે.
દિલીપસા’બની યાદગાર ફિલ્મોમાં ‘દિદાર’, ‘અંદાજ’, ‘આન’, ‘ઊડન ખટોલા’, ‘મુગલ-એ-આઝમ’, ‘આઝાદ, ‘યહૂદી’, ‘મધુમતી’, ‘ગંગા-જમના’, ‘લીડર’, ‘રામ ઔર શ્યામ’ અને ‘આદમી’નાં નામ લઇ શકાય. છેલ્લાં થોડાં વર્ષથી તેઓ અલ્ઝાઇમરનો શિકાર બન્યા છે અને પથારીવશ છે. તેમણે અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યાં છે.