અભિનેતા અર્જુન રામપાલના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દરોડા પાડ્યા

Monday 09th November 2020 06:53 EST
 
 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલના ઘરની તપાસ કરી હોવાના અહેવાલ ૯મી નવેમ્બરે હતા. આ દિવસે મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હોવાનું જાણવા મળે છે. આ પહેલાં NCBએ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે રવિવારે રેડ પાડી હતી. ત્યાંથી ૧૦ ગ્રામ ગાંજો અને ૩ ફોન જપ્ત કર્યાં હતાં. ફિરોઝની પત્નીની ધરપકડ પણ કરાઈ હતી અને ફિરોઝને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

સુશાંત મૃત્યુ કેસમાંથી ડ્રગ્સ કૌભાંડ સામે આવ્યા પછી બોલિવૂડના ઘણા બધા સ્ટાર્સના નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા. જેમાં અર્જુન રામપાલ અને તેના સાળાનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરાઈ હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો હતો. NCB અનુસાર ૩૦ વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

બોલિવૂડમાં ધરપકડનો દોર

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ફિલ્મમેકર કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ હતી. તે મુંબઈમાં કોકેન સપ્લાય કરનારા નાઈજિરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે કરણ જોહર, સારા અલી ખાન, દીપિકા પદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ હતી. ધરપકડોમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter