અભિનેતા રાજીવ કપૂરનું નિધન

Tuesday 09th February 2021 15:15 EST
 
 

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત શો મેન સ્વ. રાજ કપૂરના સૌથી નાના પુત્ર ફિલ્મમેકર રાજીવ કપૂરનું ૫૮ વર્ષની વયે મુંબઈમાં મંગળવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુરના હિંદુ સ્મશાન ભૂમિમાં કરાયા હતા. રાજીવ કપૂરની અર્થીને ભત્રીજા રણબીર કપૂર, ભાણેજ આદર-અરમાન જૈને કાંધ આપી હતી જ્યારે રણધીર કપૂરે દોણી પકડી હતી.
રણધીર કપૂરના પગ લથડ્યાં
નાના ભાઈના નિધનના સમાચાર સાંભળીને રણધીર કપૂર ભાંગી પડ્યા હતા. હોસ્પિટલની બહાર લાકડીને ટેકે ચાલતા રણધીર કપૂરને લોકોએ ટેકો આપવો આપી સંભાળ્યા હતા. રાજીવના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ચેમ્બુરમાં લવાયો હતો.
કરીના-કરિશ્મા પણ હાજર
સગર્ભા કરીના કપૂર પોતાની માતા બબીતા તથા બહેન કરિશ્મા કપૂર સાથે કાકા રાજીવ કપૂરના ઘરની બહાર દેખાઈ હતી. આલિયા ભટ્ટ પણ તેના માલદીવના વેકેશન પરથી પરત ફરી હતી. શાહરુખ ખાન, નીતુ સિંહ, મહિપ કપૂર, સંજય કપૂર, ચંકી પાંડે તથા અનિલ અંબાણી સહિતની હસ્તીઓ રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ અનેક હસ્તીઓ અને ચાહકોએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અભિનેતા નિર્માતા નિર્દેશકઃ રાજીવ
રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆત રાજીવ મહેરાની ફિલ્મ ‘એક જાન હૈ હમ’થી કરી હતી. જોકે તેમને પિતા રાજ કપૂરે બનાવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી ઓળખ મળી હતી. એ પછી તેઓ છેક ૧૯૯૦માં ‘જિમ્મેદાર’ ફિલ્મમાં દેખાયા હતા. રાજીવે પોતાના ભાઇ રણધીર કપૂર સાથે મળીને ‘હિના’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેમાં તેમના મોટા ભાઇ રિશી કપૂર મુખ્ય પાત્રમાં હતા. રાજીવે ૧૯૯૬માં ફિલ્મ ‘પ્રેમગ્રંથ’નું દિગ્દર્શન કર્યું હતું આ ફિલ્મમાં રિશી કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter