મુંબઈઃ ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને ટીવી સ્ટાર અનુપમા પાઠકનો પણ મૃતદેહ મુંબઈમાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો. અનુપમા પાઠકે મુંબઈમાં મીરાં રોડ પર પોતે રહેતી હતી તે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. ૪૦ વર્ષની આ અભિનેત્રીએ બીજી ઓગસ્ટે આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટના વખતે અનુપમાનો પતિ હાજર ન હતો.
ઘટનાના એક દિવસ પહેલાં તેણે ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, પોતે કોઈનાથી છેતરાઈ હોવાની લાગણી અનુભવી રહી છે. કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. બાય બાય ગુડનાઈટ... આ લખાણ તેણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું. કોરોના લોકડાઉન પછી તેની પાસે કોઈ કામ ન હતું અને પૈસાની અછત ભોગવતી હોવાનો તેણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
સુસાઇડ નોટમાં કેટલીક ફરિયાદ
અનુપમા બિહારના પુર્નિયા જિલ્લાની હતી અને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવી હતી. સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, મલાડની વિઝડમ પ્રોડયુસર્સ કંપનીમાં રૂ. ૧૦,૦૦૦ રોક્યાનું લખ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૯માં તે રકમ પાકવા છતાં તેને પાછી અપાઈ ન હતી. તેણે મનીષ ઝા નામના એક માણસને લોકડાઉન દરમિયાન ટુ વ્હીલર આપ્યું હતું. જે તેણે પાછું આપ્યું નથી તેવો ઉલ્લેખ કર્યો હતો.