અભિનેત્રી દિયા મિર્ઝાનાં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન

Monday 15th February 2021 05:27 EST
 
 

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા ૧૫મી ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્નબંધને જોડાઈ છે. વેલેન્ટાઈન ડેના દિવસે દિયાએ મહેંદીની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
પારંપરિક રીત રિવાજ પ્રમાણે લગ્ન
દિયાના નજીકના મિત્રોએ લગ્ન અગાઉ જણાવ્યું હતું કે, દિયા અને વૈભવ પારંપરિક રીત રિવાજ પ્રમાણે લગ્ન કરશે. તેની તૈયારીઓ પણ એ રીતે જ કરવામાં આવી છે. લગ્નમાં માત્ર ૫૦ લોકો જ સામેલ રહેશે. દિયાના કુટુંબે જણાવ્યું હતું કે, પારંપરિક લગ્ન ઉપરાંત દિયા મિર્ઝા રજિસ્ટર્ડ મેરેજ પણ કરશે. લગ્ન માટે રજિસ્ટ્રાર દિયાના ઘરે જશે.
પ્રી-વેડિંગ પાર્ટી
લગ્નના બે દિવસ પહેલાં ૧૩મી ફેબ્રુઆરીએ પ્રી-વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ સોશિયલ મીડિયામાં આ પાર્ટીની તસવીર શેર કરી હતી. પૂજા દદલાણીએ દિયા તથા વૈભવ માટે પ્રી-વેડિંગ પાર્ટી યોજી હતી. પૂજાએ તસવીરો શેર કરીને કહ્યું હતું કે, દિયા મિર્ઝા અમારા ક્રેઝી પરિવારમાં તારું સ્વાગત છે. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.
લોકડાઉનમાં નિકટતા વધી
બોલિવૂડમાં ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લોકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. આમ તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લોકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.
વૈભવના પણ બીજા લગ્ન
વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે.
દિયાએ ૨૦૧૯માં ડિવોર્સ લીધાં હતાં
દિયાએ વર્ષ ૨૦૧૪માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. ૨૦૧૯માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધાં હતાં.
દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ વર્ષ ૨૦૦૦માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર પછી બોલિવૂડ ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’થી તેણે કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ ‘થપ્પડ’માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘વાઈલ્ડ ડોગ’નું શૂટિંગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter