અભિનેત્રી હેપ્પી ભાવસારનું અકાળે નિધન

Tuesday 30th August 2022 11:33 EDT
 
 

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે એક પ્રતિભાશાળી અભિનેત્રીને ગુમાવી છે. હેપ્પી ભાવસાર રંગભૂમિ અને ફિલ્મો ક્ષેત્રે જાણીતું નામ હતું. સક્સેસફુલ નાટક ‘પ્રિત પિયુને પાનેતર’થી રંગભૂમિ પર અભિનયનો ઓજસ પાથરનારાં હેપ્પીએ 45 વર્ષની વયે જ દુનિયાથી વિદાય લીધી છે. હેપ્પી છેલ્લા કેટલાક સમયથી ફેફસાંના કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. હેપ્પીની યુટ્યુબ ફિલ્મ ‘મહોતું’ ખૂબ જ સફળ રહી હતી અને તેમાં તેમના અભિનિયના વખાણ થયા હતા. આ ઉપરાંત ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’માં તેમણે ભજવેલા શાનદાર પાત્રથી તેમણે દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. હેપ્પી ભાવસાર જાણીતા ફિલ્મ અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપ્પીએ અઢી મહિના પહેલા જ, બે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. સરળ, હસમુખ અને ટેલન્ટથી ભરપૂર તેવા અભિનેત્રી હેપ્પીને અંતિમ વિદાય પણ તેમની જ સ્ટાઇલમાં આપવામાં આવી હતી. હંમેશા ખુશખુશાલ રહેતાં હેપ્પી ઘણી વખત સિટી મારીને પોતાનો આનંદ - ખુશી વ્યક્ત કરતાં હતાં. આથી તેમના મિત્રોએ પણ તેમની અંતિમ યાત્રા વેળા સિટી વગાડીને તેમને વિદાય આપી હતી. હેપ્પીની ખોટ રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી વર્તાશે તે વાત ચોક્કસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter