અભી ના જાઓ છોડકર...

સૂરોમાં સમાઇ ગયા આશા ભોંસલે

Wednesday 15th April 2026 06:45 EDT
 
 

લગભગ સાડા આઠ દસકાની કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને ભારતીય ફિલ્મસંગીતના ચાહકોના દિલોમાં છવાઇ જનારા આશા ભોંસલેનો પાર્થિવ દેહ સોમવારે પંચમહાભૂતમાં ભળી ગયો. બોલિવૂડના 1950-60ના દાયકાના સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે ડાન્સ, વેસ્ટર્ન ધૂનો પરનો થિરકાટ, ગઝલો, કવ્વાલી, અર્થગાંભીર્ય ધરાવતી અટપટી ધૂનો, પોપ કલ્ચર અને વિદેશી ગાયકો સાથેના કોલબરેશનથી અનેક પેઢીઓને ડોલાવનારાં, થિરકાવનારાં, મધુબાલાથી લઇને સાધના, રેખા, ઝિન્નત, ઉર્મિલા માતોંડકર સુધીની હિરોઈનોને કંઠ આપનારાં બોલિવૂડનાં સૌથી નશીલા અને નટખટ અવાજનાં માલિકણ આશા ભોંસલેએ રવિવારે 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવો, સંગીતકારો, ઉદ્યોગપતિઓ તથા સમગ્ર બોલિવૂડ જગતના નાનામોટા કલાકાર કસબીઓએ તેમને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્વજનોથી લઇને ચાહકોમાં આશા તાઈના લાડકાં નામે જાણીતાં આશા ભોંસલેએ સમય, ઉંમર, ટ્રેન્ડ, પેઢી જેવી મર્યાદાઓને હંમેશાં અતિક્રમી હતી. વિવિધ જોનરનાં ગીતો ગાઈને તેમણે દરેક વર્ગ અને વયજૂથના ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. છેક હમણા સુધી તેમણે કોન્સર્ટ કરવાના ચાલુ રાખ્યા હતા. આથી જ આજે ઘરઘરમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા અને ટીનેજર સંતાનો સહિતના ચાહકોએ પણ તેમનાં નિધનથી આંચકો અનુભવ્યો હતો.
આશા તાઈએ પોતાનું પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘માઝા બાળ’ (1943)માં ગાયું હતું. પછી બોલિવૂડ ફિલ્મ ‘ચુનરિયા’ (1948)માં તેમણે ‘સાવન આયા’ નામનું ગીત ગાયું. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી. તેઓ બોલિવૂડની સૌથી પ્રખ્યાત ગાયિકા બની ગયા. અનેક ભાષાઓમાં ગીતો ગાયા, દેશ-દુનિયામાં ખ્યાતિ મેળવી.
વડલાની છાયામાં અન્ય કોઈ વૃક્ષ પાંગરી ન શકે તેવી કહેવત ખોટી પાડી ઘરમાં જ ભારતનાં કોકિલકંઠી સ્વરકિન્નરી દીદી લતા મંગેશકરની હાજરીમાં જ આશા ભોંસલેએ પોતાની વર્સેટિલિટીથી એક કેડી જ નહીં પરંતુ એવો રાજમાર્ગ કંડાર્યો કે જેમણે તેમને ભારતીય હિન્દી સંગીતના સદાબહાર સૌથી લોકપ્રિય ગાયકો લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશની હરોળમાં મૂકી દીધાં હતાં.
આશા દરેક પ્રકારનાં ગીત ગાવામાં સક્ષમઃ લતા મંગેશકર
લતા મંગેશકરે નસરીન મુનીર કબીરનાં પુસ્તક ‘લતા મંગેશકર ઈન હર ઓન વોઈસ’માં જણાવ્યું હતું તેમ આશા દરેક પ્રકારનાં ગીતો સારી રીતે ગાઈ શકે છે. ઉદાસ ગીત હોય કે પછી ડાન્સ સોંગ, કેબરે હોય કે બીજું કોઈપણ ગીત તે બખૂબી ગાય છે. તે મારી બહેન છે એટલે નથી કહેતી પરંતુ તેની આ ખૂબીઓને દર્શાવવી એ મારી ફરજ છે એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે બંને બહેનો એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. સાથે જમીએ છીએ, એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર બનીએ છીએ.
‘પંચમ’નો પાર્થિવ દેહ જોવા ઈનકાર
1994માં આર.ડી. બર્મન ‘પંચમ’નાં નિધનથી આશા ભોંસલે પર આભ તૂટી પડયું હતું. આશા પતિના પાર્થિવ દેહને જોવા જવા પણ તૈયાર ન હતા. તેમણે સાફ સાફ કહી દીધું હતું કે મારે પંચમને નિશ્ચેતન હાલતમાં જોવા નથી. મારે તેમને જીવંત જ જોવા છે. હું એ રૂમમાં જવાની જ નથી. તે વખતે પરિવારજનોએ તેમને ભારે સમજાવ્યાં હતાં. ગુલઝાર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સહિતના સિનેજગતના સ્નેહીઓએ આશાને માંડ માંડ હિંમત બંધાવી હતી.
આશા ભોંસલેના પ્રથમ લગ્ન ગણપતરાવ ભોંસલે સાથે થયા હતાં. 11 વર્ષ પછી બન્ને અલગ થઈ ગયા. ગણપતરાવથી આશા ભોંસલેને ત્રણ સંતાનો થયા. પહેલા પતિ ગણપતરાવે આશા ભોંસલેને 2 બાળકો અને પ્રેગ્નન્સીની હાલતમાં ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આશા ભોંસલેએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પહેલા લગ્ન વિશે કહ્યું હતું, ‘પતિનો પરિવાર રૂઢિચુસ્ત હતો, તે એક સિંગિંગ સ્ટારને સ્વીકારી શક્યો નહીં. જ્યારે હું મારા નાના પુત્ર આનંદને જન્મ આપવાની હતી ત્યારે પરિવારે મને પિયર પાછા ફરવાનું કહ્યું.’ થોડાક વર્ષો બાદ તેઓ આર.ડી. બર્મન સાથે લગ્નબંધને બંધાયા હતા.
સુમધરુ ગીતો દીદીને, અટપટી ધૂનો મને!
આશા ભોંસલેએ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું એમ તેમણે પોતે જ આર.ડી બર્મનને એકવાર ફરિયાદ કરી હતી કે તમે દીદી લતા મંગેશકરને બહુ સરળ અને સુમધુર ધૂનો આપી છે જ્યારે મને બહુ અટપટી ધૂનો આપો છો. તે વખતે પંચમદાએ જવાબ આપ્યો હતો કે તમે આવી અટપટી ધૂનો પણ સહજતાથી ગાઈ શકો છો એટલે જ હું તેવી ધૂનો બનાવું છું. જો તમે ન હોત તો મેં કદી આવી અટપટી ધૂનો બનાવી ન હોત. પંચમદાની આવી જ અટપટી ધૂન ‘ઈજાજત’ ફિલ્મનાં ગીત ‘મૈરા કુછ સામાન...’ માટે આશા ભોંસલેને બેસ્ટ સિંગિંગનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
સિંગર ન હોત તો કૂક બન્યાં હોત...
આશા ભોંસલેને આજે ફિલ્મી ગીતના ચાહકો એક પ્રખ્યાત ગાયિકાના રૂપમાં ઓળખે છે. જો તેઓ ક્યારેય સિંગર ન બની શક્યા હોત તો તેઓ કૂકના વ્યવસાયને પસંદ કરત. આશા ભોંસલેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તેઓ સિંગર ન બન્યા હોત તો તેઓ એક કૂક હોત. નોંધનીય કે દુબઈ, કુવૈતમાં તેમના નામે રેસ્ટોરાં ચેઇન પણ ધમધમે છે. અહીં ભારતીય જમવાનું મળે છે.

•••

આશા ભોંસલેનાં ટોપ-25 ગીત

આશા ભોંસલેના લોકપ્રિય અને જાણીતાં ગીતોનું એક સર્વસામાન્ય લિસ્ટ બનાવવું બહુ અઘરું છે. છતાં પણ તેમનાં કેટલાંક જાણીતાં અને સોશિયલ મીડિયા પર વધુ પોસ્ટ થયેલાં કેટલાંક ગીતો આ પ્રમાણે છેઃ
• ઉડે જબ જબ જુલ્ફેં તેરી... (નયા દૌર, 1957)
• જાઇએ આપ કહાં જાએંગે... (મેરે સનમ, 1965)
• ઝૂમકા ગીરા રે... (મેરા સાયા, 1966)
• ઓ હસીના જુલ્ફોવાલી... (તીસરી મંઝિલ, 1966)
• પાન ખાયે સૈયાં હમારો... (તીસરી કસમ, 1966)
• રાત અકેલી હૈ... (જ્વેલથીફ, 1967)
• આઓ હુઝૂર તુમકો... (કિસ્મત, 1968)
• પરદે મેં રહને દો... (શિકાર, 1968)
• પિયા તું અબ તો આજા... (કારવાં, 1971)
• દમ મારો દમ... (હરે ક્રિષ્ણા હરે રામ, 1971)
• મોનિકા ઓ માય ડાર્લિંગ... (કારવાં, 1971)
• ચુરા લિયા હૈ તુમન... (યાદોં કી બારાત, 1973)
• હંગામા હો ગયા... (અનહોની, 1973)
• યે મેરા દિલ... (ડોન, 1978)
• આજ કી રાત... (ડોન, 1978)
• દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની... (ગ્રેટ ગેમ્બલર, 1979)
• પિયા બાવરી... (ખૂબસુરત, 1980)
• ઇન આંખોં કી મસ્તી... (ઉમરાવજાન, 1981)
• દિલ ચીઝ ક્યા હૈ... (ઉમરાવ જાન, 1981)
• મેરા કુછ સામાન... (ઈજાજત, 1987)
• કતરા કતરા... (ઈજાજત, 1987)
• રંગીલા રે... (રંગીલા, 1995)
• દિલ લે ગઈ લે ગઈ... (દિલ તો પાગલ હૈ, 1997)
• કહિં આગ લાગે... (તાલ, 1999)
• રાધા કૈસે ના જલે... (લગાન, 2001)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter