‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઘણી વાર કહે છે કે તેમણે પોતાનાં બંને બાળકો અભિષેક અને શ્વેતાનો સમાન રીતે ઉછેર કર્યો છે. એને ધ્યાનમાં રાખતાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમના પછી તેમની સંપત્તિના ખરા હકદાર કોણ હશે. 2011માં એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહેલું કે જ્યારે મારું નિધન થઈ જશે ત્યારે જે કંઈ મારી પાસે બચ્યું હશે તેમાંથી અડધું-અડધું મારા પુત્ર અને પુત્રીમાં વહેંચાશે. તેમની વચ્ચે કશો ભેદભાવ નહીં થાય. જયા અને મેં ખૂબ પહેલાં આ બાબત પર નિર્ણય કરી લીધો હતો. બધા કહેતા હોય છે કે પુત્રી પરાયું ધન હોય છે. તે પતિના ઘરે જાય છે, પરંતુ મારી દ્રષ્ટિએ તે મારી પુત્રી છે. તેના પણ એ હક છે, જે અભિષેકના છે.’
ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પાસે લગભગ 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એક અન્ય રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચને પોતાનું જૂનું ઘર પ્રતીક્ષા પોતાની પુત્રી શ્વેતા બચ્ચનને આપી દીધું છે. તેની કિંમત લગભગ 50 કરોડ હતી. તેમની પાસે મુંબઈ ઉપરાંત અયોધ્યા, પાવના અને પૂણેમાં બીજી ઘણી પ્રોપર્ટી છે. તેઓ અત્યારે જલસા બંગલામાં રહે છે.