અમિતાભ બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વિનંતી

Tuesday 30th June 2020 17:57 EDT
 
 

કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને લઇને સહુ કોઇ દિગ્મુઢ થઇ ગયા છે. આ હાલત જોઇને મિઝોરમના પૂર્વ ગવર્નર અને સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે બોલિવૂડને ગાલિવૂડ કહ્યું છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ પર ચિંતા દર્શાવીને અમિતાભ બચ્ચનને હસ્તક્ષેપ કરવાની વિનંતી અને માગણી કરી છે.
સ્વરાજ કૌશલે આ વાત પોતાના ટ્વિટર હેન્ડલ પર લખી છે. તેમણે લખ્યું છે કે, બોલિવૂડ ગાલિવૂડ થઇ ગયું છે. આપણે ક્યાં જઇ રહ્યા છીએ. બીજા ટ્વિટમાં લખ્યું છે કે, અમિતાભજી તમે સૌથી સિનિયર છો. મહેરબાની કરીને હાલાત સુધારવા માટે કાંઇક કરો, વધારે શું કહું? રોજ તમાશો જોવા મળે છે... પ્લિઝ.
સ્વરાજ કૌશલની આ અપીલ પછી અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે. સામાન્ય રીતે બિગ બી બોલિવૂડના કોઇ પણ વિવાદ પર પ્રતિક્રિયા આપતા હોતા નથી. જોકે સુશાંતની આત્મહત્યા પછી તેમણે પોતાના બ્લોગ પર સુશાંતના આત્મહત્યાના પગલાં પર પ્રશ્ર ઉઠાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter