અમિતાભ બચ્ચને મુંબઇમાં ૫૧૮૪ સ્કવેર ફૂટનું એક મકાન ખરીદ્યું છે. જેની કિંમત રૂપિયા ૩૧ કરોડ હોવાનું કહેવાય છે. રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસના અનુસાર, આ ડુપ્લેકસ ક્રિસ્ટલ ગ્રુપનો પ્રોજેક્ટસ છે. અમિતાભે આમ તો આ પ્રોપર્ટી ડિસેમ્બર ૨૦૨૦માં ખરીદી હતી, પરંતુ તેનું રજિસ્ટ્રેશન ગયા મહિને કરાવ્યું છે. આ માટે તેમણે રૂપિયા ૬૨ લાખ સ્ટેમ્પ ડયુટી પેટે ચુકવ્યા છે, જે રૂપિયા ૩૧ કરોડના બે ટકા થાય છે. આમ તેમણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પ ડયુટીમાં મળનારી બે ટકાની છૂટનો લાભ ઉઠાવ્યો છે. તેમનો આ ડુપ્લેક્સ એટલાન્ટિકસ પ્રોજેક્ટમાં આવેલો છે. એપાર્ટમેન્ટના ૨૭-૨૮માં માળ પર આવેલા આ ફ્લેટની કિંમત સ્કેવર ફૂટ દીઠ રૂપિયા ૬૦,૦૦૦ જેટલી થાય છે. તેમને આ ઘર સાથે ૬ કારનું એલોટેડ પાર્કિંગ પણ મળ્યું છે. અમિતાભનું આ ઘર અભિનેત્રી સની લિયોનીના ઘરની પાસે છે. આમ હવે તેઓ સની લિયોનીના પડોશી બની ગયા છે. સની લિયોનીનું નવું ઘર અંધેરી વેસ્ટના એટલાન્ટિકસ નામના બિલ્ડિંગમાં ૧૨મા માળે છે. તેનો પાંચ બેડરૂમનો ફ્લેટ ૩,૯૬૭ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. સનીને ત્રણ કારની પાર્કિંગની સુવિધા મળી છે. કોરોના મહામારી દરમિયાન લકઝરી એપાર્ટમેન્ટસનું વેંચાણ વધી રહ્યું છે ત્યારે બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓ, બિઝનસેમેન અને પ્રોફેશનલ્સ પણ ફ્લેટ ખરીદી રહ્યા છે.