અમિતાભ બચ્ચને 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શહેનશાહ’માં એક જાળીદાર અને સાંકળની બાંયવાળું સ્ટીલનું બખ્તરટાઇપ જેકેટ પહેર્યું હતું. તેમણે પોતાનું આ આઈકોનિક લૂકનું જેકેટ એક સાઉદી ચાહકને ગિફ્ટમાં આપી દીધું છે. અમિતાભ બચ્ચને હાલમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, તેમણે ફિલ્મ ‘શહેનશાહ’માં પહેરેલું જેકેટ તેમના સાઉદીના મિત્રને તેમણે ભેટ આપ્યું છે. બિગ બીના આ મિત્રે જેકેટ મળ્યા પછી થેન્ક્યુનો ેક સંદેશો પણ મોકલ્યો છે, જેને અમિતાભે રીટ્વિટ કર્યો છે.
તુર્કી અલલશિખ નામની એક વ્યક્તિએ અમિતાભની ફિલ્મ ‘શહેનશાહ’ની થોડી તસવીરો શેર કરીને ટ્વિટ કર્યું હતું. તેણે શેર કર્યું હતુંઃ દુનિયાના બહેતરીન અને દિગ્ગજ કલાકારોમાં સામેલ અમિતાભ બચ્ચન... તમારા પ્રત્યે ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ દુનિયાના લોકોને માન છે. તમે મને જે ભેટ મોકલી છે, તેના માટે તમારો ખુબ ખુબ આભાર. મારા માટે આ ભેટ અમુલ્ય છે.
જોકે, આ ટ્વિટ વાયરલ થયા બાદ અમિતાભના સંખ્યાબંધ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ જેકેટ માત્ર અમિતાભની કારકિર્દીની આગવી ઓળખ જ નહીં પરંતુ ભારતીય સિને ઈતિહાસની પણ એક ખાસ જણસ છે. તેને કોઈ મ્યુઝિયમને સાચવવા આપી દેવું જોઇતું હતું.