ભારતીય સિને જગતના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષની વયે પણ દિવસરાત જોયા વગર સતત કામ કરી રહ્યા છે. હવે તેમની આવક અને સંપત્તિના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટની 2026માં જણાવાયા મુજબ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ વધીને અંદાજે 4000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે તેમની સંપત્તિ રૂ. 1630 કરોડ હતી. અર્થાત્ એક જ વર્ષમાં તેમની નેટવર્થમાં 145 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. તે સાથે જ અમિતાભ બચ્ચન મનોરંજન જગતના સૌથી ધનવાન કલાકારોની યાદીમાં શાહરુખ પછીના બીજા સ્થાને પહોંચી ગયા છે.
અહેવાલ મુજબ શાહરુખ ખાનની કુલ સંપત્તિ રૂ. 10,000 કરોડ છે. જ્યારે અમિતાભ કુલ 4000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. અમિતાભની આવક માત્ર સિનેમા પુરતી મર્યાદિત નથી. તેઓ લાંબા સમયથી સિનેમા ઉપરાંત ટીવી, જાહેરખબર અને ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી ધરખમ કમાણી કરી રહ્યા છે. અમિતાભ અલગ અલગ કંપનીઓ અને એક નવા બિઝનેસમાં રોકાણ કરી ચૂક્યા છે. તેમણે જે પણ કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે તેમાં ટેક સ્ટાર્ટ અપ્સ તેમ જ નવી કન્ઝ્યુમર બાન્ડનો પણ સમાવેશ થાય છે.
આ મૂડીરોકાણોને કારણે તેમને સારું રિટર્ન મળી રહ્યું છે. અમિતાભ મુંબઈ સહિતના સ્થાને મિલકતો ધરાવે છે. તેમાં ઘર અને કોમર્શિયલ પ્રોપર્ટીનો પણ સમાવેશ
થાય છે.


