અરબાઝ ખાન અને શૂરાએ તેમની લાડલીનું નામ ‘સિપારા’ પાડ્યું છે. ગયા શુક્રવારે એક્ટર નવજાત દીકરીને છાતી સરસી ચાંપીને હોસ્પિટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. અરબાઝ અને શૂરાને ત્યાં પાંચમી ઓક્ટોબરે પારણું બંધાયું હતું. 52 વર્ષના લાંબા અરસા બાદ પરિવારમાં દીકરીનો જન્મ થતાં ખાન પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ છે. ઘરના તમામ સભ્યો નાની રાજકુમારીને રમાડવા અને ન્યૂ મોમ શૂરાના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં. બાદમાં શૂરા અને દીકરીની પહેલી ઝલક સામે આવી હતી. દીકરીને ઘરે લઈ જતા સમયે પિતા અરબાઝના ચહેરા પર ખુશી છલકતી જોવા મળતી હતી. અરબાઝ અને શૂરાએ દીકરીનું નામકરણ પણ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરબાઝ ખાને દીકરીનું નામ રીવિલ કર્યું છે. સિપારા નામ અરબી અને ફારસી (પર્શિયન) બંને સંસ્કૃતિઓમાં મૂળ ધરાવે છે. તેનો અર્થ મોટે ભાગે સુંદરતા અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે. અરબી ભાષામાં તેનો ઉપયોગ ક્યારેક સૌંદર્ય અને લાવણ્ય (grace) દર્શાવવા માટે પણ થાય છે. ઉપરાંત ફારસી ભાષામાં કુર્રાન શરીફના 30 ભાગોમાં દરેક ભાગને સિપારો કે જુઝ કહેવામાં આવે છે.