છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી શોમાંથી બહાર થયેલો અરિજીત આજે એક એવા મુકામ પર છે, જ્યાં તેના ગીત વગર બોલિવૂડ ફિલ્મો અધૂરી મનાય છે. પોતાના અવાજથી કરોડોના દિલ જીતનાર અરિજીતની કમાણી અને નેટવર્થે પણ 2026ની શરૂઆત સુધીમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે.
અરિજીતની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો નથી, તેણે પોતાનું લેબલ ઓરિયન મ્યૂઝિક શરૂ કર્યું છે અને તે યૂટ્યૂબ તેમજ સ્પોટિફાઈ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પણ કરોડોની રોયલ્ટી મેળવે છે. ખાસ વાત એ છે કે, આટલી સંપત્તિ હોવા છતાં અરિજીત આજે પણ પોતાના ગામ જિયાગંજમાં એક સામાન્ય માણસની જેમ રહેવાનું પસંદ કરે છે, જે તેની સાદગીને દર્શાવે છે.
અરિજીત આજે ઇન્ડસ્ટ્રીનો હાઈએસ્ટ પેડ સિંગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ 414 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ 2 કલાકના એક લાઇવ કોન્સર્ટ માટે 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી 2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ ગાવા માટે આશરે 10 થી 20 લાખ રૂપિયા લે છે. જોકે, ડિજિટલ રાઇટ્સ અને રોયલ્ટીને જોડતાં આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્ટમાંથી એક છે. તેના સ્પોટીફાઈ પર આશરે 15 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્ટી મળે છે.
અરિજીત ભલે ચપ્પલ પહેરીને ફરતો જોવા મળે, પરંતુ તેનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે. નવી મુંબઈમાં તેનો આશરે 8 કરોડ રૂપિયાનો પોશ અપાર્ટમેન્ટ છે. આ ઉપરાંત પોતાના હોમટાઉન જિયાગંજમાં પણ ઘણું રોકાણ કર્યું છે. તેની પાસે શાનદાર કાર કલેક્શન છે. અરિજીત પાસે રેન્જ રોવર, મર્સિડીઝ અને હમર જેવી લક્ઝરી ગાડીઓ છે. જેની કિંમત કરોડોમાં છે. તે સેમસંગ અને કોકો-કોલા જેવી મોટી બ્રાન્ડ સાથે જોડાયેલા છે, જેના દ્વારા તે વર્ષે દસેક કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આટલી આવક હોવા છતાં અરિજીતની કમાણીનો એક મોટો ભાગ સમાજ સેવામાં જાય છે. તે એક એનજીઓ ‘લેટ ધેર બી લાઇટ’ ચલાવે છે, જે ગરીબ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે. તે હંમેશા ચેરિટી માટે પણ શો કરે છે અને જિયાગંજમાં તેનું પોતાનું એક નાનકડું રેસ્ટોરાં ‘હેશેલ‘ પણ ખોલ્યું છે. જે તેના બિઝનેસનું વિઝન દર્શાવે છે.


