અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ત્યાં ફરી પારણું બંધાયું છે. ગેબ્રિએલાએ 20 જુલાઇએ તેના અને અર્જુનના બીજા સંતાનને જન્મ આપ્યો છે. અર્જુને સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા હતા. 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યાની ખુશી વ્યક્ત કરતા અર્જુને શેર કરેલી પોસ્ટમાં વિનીના કાર્ટૂનવાળા એક ટોવેલની તસવીર હતી. જેના પર લખ્યું હતુંઃ હેલો વર્લ્ડ... અર્જુને કેપ્શનમાં લખ્યું હતું કે, મારા પરિવારમાં આજે એક સુંદર બેબી બોયનો જન્મ થયો. માતા અને પુત્ર બંનેની તબિયત સારી છે. ડોક્ટર્સ અને નર્સીસની ટીમનો આભાર. અમારી ખુશીનો કોઇ પાર નથી. આપ સૌના પ્રેમ અને સમર્થન બદલ આભાર... અર્જુન તેની પત્ની અને સુપરમોડેલ મેહર જેસિયા સાથે ડિવોર્સ બાદથી ગેબ્રિએલા સાથે રિલેશનશિપમાં છે. તેમનો મોટો પુત્ર અરિક ચાર વર્ષનો છે જ્યારે મેહર થકી અર્જુન મિહિકા અને માયરા નામની બે દીકરીનો પિતા બન્યો છે. બન્નેએ 21 વર્ષના લગ્નજીવન બાદ 2019માં ડિવોર્સ લીધા હતા. અર્જુન ટૂંક સમયમાં અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘પેન્ટહાઉસ’માં બોબી દેઓલ સાથે અને સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ ‘ક્રેક’માં વિદ્યુત જામવાલ તથા જેક્લીન ફર્નાન્ડિસ સાથે જોવા મળશે.