આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે ‘હેલો! હોલ ઓફ ફેમ’ અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા પછી એવા મતલબની સ્પીચ આપી કે ‘ભાઈ, ધુરંધરમાં ભલે હું દુષ્ટ પાકિસ્તાની આઇએસઆઈ હેન્ડલર બન્યો હોઉં, પણ અસલી જીવનમાં તો હું પાક્કો દેશભક્ત છું...’ આમ કહીને એણે સંબોધનના અંતે ‘ભારત માતા કી... જય’નો નારો લગાવ્યો હતો.
શોભા ડેને આ નારાને કારણે તકલીફ થઈ ગઈ. એમણે ‘ધ પ્રિન્ટ’માં એક લેખ લખી નાંખ્યો કે જેનું ટાઇટલ હતું, ‘વ્હાય અર્જુન રામપાલ સેઇંગ ભારત માતા કી જય શુડ વરી બોલિવૂડ ઓડિયન્સ’. લેખમાં એમણે લખ્યું કે, હવે તો એવોર્ડ ફંક્શન્સ પણ એક્ટરોની પોલિટિકલ આઇડિયોલોજીના અને રાજકીય વફાદારી દેખાડવા માટેનાં પ્લેટફોર્મ્સ બનતાં જાય છે. એવોર્ડ ફંક્શનમાં કળાને સેલિબ્રેટ કરવાની હોય કે પોતાની રાજકીય વિચારધારાને?
આટલું લખીને શોભા ડેએ પાછો એવો કટાક્ષ કર્યો કે, ભવિષ્યમાં ક્યાંક એવી સ્થિતિ ન આવી જાય કે તમામ અવોર્ડ ફંક્શન્સમાં વિજેતાઓએ હાથમાં અવોર્ડ લઈને ‘ભારત માતા કી જય’ એવો નારો લગાડવો ફરજિયાત કરી દેવામાં આવે!
લો, બોલો... ભારત માતાનો જયનાદ કરવામાં શો વાંધો કે વિરોધ હોઈ શકે? ભારત માતા પર કોઈ એક રાજકીય પક્ષનો ઈજારો ક્યારથી થઈ ગયો? શોભા ડેના આ લેખથી વિવાદનો મધપૂડો છંછેડાવો સ્વાભાવિક હતો. આમેય જ્યારથી ‘ધુરંધર’ પાર્ટ વન ફિલ્મ આવી છે ત્યારથી વિવાદના મધપૂડા એકધારા છંછેડાતા રહ્યા છે. આદિત્ય ધર તો આ બધું નિહાળીને મંદ મંદ મુસ્કુરાતા હશે. વિવાદોએ અને વિરોધીઓએ ‘ધૂરંધર’ની એટલી પબ્લિસિટી ફ્રીમાં કરી નાખી છે એટલી તો કરોડો રૂપિયા ખર્ચીને પણ ન થઈ શકી હોત!


