અલવિદા માસ્ટરજીઃ બોલિવૂડ ડાન્સની ‘ધક ધક’ સુપુર્દ-એ-ખાક

Wednesday 08th July 2020 08:00 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા સરોજ ખાન ૭૧ વર્ષના હતાં અને શ્વાસની તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકડાઉન અને કોરોના મહામારીના કારણે મર્યાદિત સગા-સંબંધીઓની હાજરીમાં તેમને મલાડના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાયા હતા. તેઓ તેમના પરિવારમાં પુત્ર હામિદ ખાન અને બે દીકરીઓ હીના અને સકીના ખાનનો સમાવેશ થાય છે.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ગત ૨૪ તારીખે જ તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી તેમને બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. સારવાર દરમિયાન ડોક્ટરોને તેમને કોરોના હોવાની શંકા ગઈ હતી. જોકે તેમનો ટેસ્ટ નેગેટિવ આવતા પરિવારજનોને રાહત થઈ હતી. આ પછી તેમની તબિયત સુધારા ઉપર હોવાની વાત આવી હતી.

ત્રણ વખત નેશનલ એવોર્ડ

સરોજ ખાન બોલિવૂડમાં ડાન્સના ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં હતાં. તેમની ઈન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષની કારકિર્દી હતી, જેમાં તેમણે ૨,૦૦૦ ગીતોને કોરિયોગ્રાફ કર્યા હતા. આ માટે તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. આ ઉપરાંત ‘ઉસ્તાદોં કે ઉસ્તાદ’, ‘નચલે વે વિથ સરોજ ખાન’, ‘બૂગી-વૂગી’, ‘ઝલક દિખલા જા’ જેવા ઘણા રિયાલિટી શોમાં તેઓ જજ તરીકે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન તેમણે ઘણી નવી પ્રતિભાઓને ઈન્ડસ્ટ્રીમાં અવસર આપ્યો હતો.

સાધનાથી સારા અલી - બધાંને નચાવ્યાં

સરોજ ખાનની કોરિયોગ્રાફીએ અનેક અભિનેત્રીઓની કારકિર્દીને નવી દિશા આપી હતી. માધુરી તેમાંની જ એક અભિનેત્રી હતી. સરોજ ખાને સાધનાથી માંડીને વૈજયંતી માલા, કુમકુમ, હેલન, શર્મિલા ટાગોર, માલા સિંહા, વહીદા રહેમાન, ઝિન્નત અમાન, રેખા, શ્રીદેવી, માધુરી, કરિશ્મા, ઉર્મિલા, કાજોલ, ઐશ્વર્યા, કરિના, સની લિયોની અને સારા અલી ખાન સુધી અનેક અભિનેત્રીઓને ડાન્સની કલા શીખવી હતી. આ તમામમાં અભિનેત્રીઓમાં માધુરી સરોજ ખાનની સૌથી પ્રિય હતી. આ ઉપરાંત સાઉથની ઘણી હિરોઈન પણ તેમની પાસે ડાન્સના સ્ટેપ્સ શીખવા માટે આવતી હતી. છેલ્લે ફિલ્મ તેમણે ૨૦૧૯માં માધુરી સાથે જ કરી હતી. કરણ જોહરની મલ્ટિસ્ટાર ફિલ્મ ‘કલંક’માં તબાહ હો ગયે... ગીત તેમણે માધુરી દિક્ષીત માટે કોરિયોગ્રાફ કર્યું હતું.

એવોર્ડમાં નવી કેટેગરી ઉમેરાઇ!

૧૯૮૮માં જ્યારે ‘તેજાબ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેનું ગીત એક દો તીન... ખૂબ જ સુપરહિટ થયું હતું. આ ગીતમાં માધુરીના ડાન્સના બધાએ ભરપૂર વખાણ કર્યા હતા. આ ગીતને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. આ દરમિયાન સરોજ ખાનને વિશેષ એવોર્ડ આપવા માટે ‘ફિલ્મ ફેર’ દ્વારા એવોર્ડ શોમાં નવી કેટેગરીનો ઉમેરો કરાયો હતો. તે સમયે બેસ્ટ કોરિયોગ્રાફી માટે પહેલો ફિલ્મ ફેર એવોર્ડ સરોજ ખાનને અપાયો હતો. આ પછી સરોજ ખાન મધર ઓફ ડાન્સ એન્ડ કોરિયોગ્રાફી તરીકે પણ જાણીતા થઈ ગયાં.

શાહરુખને થપ્પડ, સલમાન સાથે ઝઘડો

સરોજ ખાનનું હિરોઈનની જેમ ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના હીરો સાથે પણ સારું બોન્ડિંગ હતું. એક વખત શાહરુખ ખાને તેમને કહ્યું કે, હું ત્રણ શિફ્ટમાં કામ કરું છું અને થાકી ગયો છું. આ સાંભળતાંની સાથે જ સરોજ ખાને શાહરુખને એક થપ્પડ મારી દીધી હતી. અલબત્ત, પ્રેમથી મારેલી આ થપ્પડ બાદ તેમણે શાહરુખને સલાહ આપી હતી કે, ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કોઈને એવું ના કહેતો કે વધારે કામ હોવાથી થાકી ગયો છું. આ ફિલ્ડમાં ક્યારેય કોઈ કામ વધારે હોતું નથી. બીજા એક કિસ્સામાં, ૧૯૯૪માં ‘અંદાજ અપના અપના‘ના શૂટિંગ દરમિયાન એક ગીતની કોરિયોગ્રાફી ચાલતી હતી તે વેળા સલમાન ખાન પોતાના ડાન્સ સ્ટેપથી નારાજ થઈ ગયો હતો. સલમાનને એમ હતું કે, મારા કરતાં આમીર ખાનને વધારે સારા સ્ટેપ અપાયા છે. તેણે સરોજ ખાનને કહ્યું હતું કે, ‘હું સુપર સ્ટાર થઈશ ત્યારે તમારી સાથે કામ નહીં કરું.’ સરોજ ખાને પણ સામે પરખાવ્યું હતું કે, રોટી અલ્લાહ આપે છે. તું કામ નહીં કરે તો બીજું કોઈ કરશે. જોકે આ સલમાન ખાન જ ૨૦૧૯માં સરોજ ખાનની વહારે આવ્યો હતો. તેણે ‘દબંગ-૩’ માટે સાઈ માંજરેકરને ડાન્સ સ્ટેપની તાલીમ આપવાની જવાબદારી સરોજ ખાનને આપી હતી.

માધુરીને બનાવી ‘ધક-ધક ગર્લ’

સરોજ ખાનની કોરિયોગ્રાફર તરીકે કારકિર્દીની પહેલી ફિલ્મ હતી ‘ગીતા મેરા નામ’. ૧૯૭૪માં આવેલી આ ફિલ્મમાં સાધના લીડ રોલમાં હતી. આ પછી ૧૯૮૭માં ‘મિસ્ટર ઈન્ડિયા’માં શ્રીદેવીનો યાદગાર હવા હવાઈ... ડાન્સ આપ્યો. તે પછીના વર્ષે ૧૯૮૮માં ‘તેજાબ’માં માધુરીને એક દો તીન... ગીતમાં લાજવાબ ડાન્સ કરાવ્યો. આ ડાન્સ ખૂબ જ સુપરહિટ રહ્યો હતો. આ પછી માધુરી અને સરોજ ખાનની કારકિર્દીમાં નિર્ણાયક વળાંક આવ્યો. ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘બેટા’ના ધક ધક કરને લગા... ગીતે સરોજ ખાન - માધુરી બંનેની કારકિર્દીને રફતાર આપી દીધી. આ સાથે જ માધુરી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ‘ધક-ધક ગર્લ’ તરીકે જાણીતી થઈ ગઈ. ૨૦૦૨માં માધુરી-ઐશ્વર્યાની ફિલ્મ ‘દેવદાસ’નું ડોલા રે ડોલા... ગીત સરોજ ખાન દ્વારા કોરિયોગ્રાફ કરાયેલો સૌથી હિટ ડાન્સ રહ્યો હતો.

હિન્દી ફિલ્મકથા જેવી રસપ્રદ જિંદગી...

• સરોજ ખાન મૂળ હિંદુ પરિવારના સભ્ય હતાં. તેઓ કિશનચંદ સંધુ અને નોનિ સિંહના દીકરી હતાં. તેમનું સાચું નામ નિર્મલા નાગપાલ હતું. સરોજનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૪૮માં થયો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા થતાં કિશનચંદ સંધુ પરિવાર સાથે ભારત આવીને સ્થાયી થયાં હતાં.
• એક સરોજ ખાને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુંઃ મારા પેરન્ટસ પાકિસ્તાનમાં રહેતા હતા. દુર્ભાગ્યવશ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા તેઓ બેગમાં કપડાં, સોનું અને રૂપિયા લઇને ભારત આવવા નીકળ્યા. જોકે તેમની બેગ કોઇ અજાણી વ્યક્તિ સાથે બદલાઇ ગઇ, જેમાં ફક્ત ગંદા કપડા જ ભરેલા હતા. આમ તેઓ ભારત આવ્યા ત્યારે તેમની પાસે એક પૈસો પણ નહોતો રહ્યો. મારા પેરન્ટસ મુંબઇ આવ્યા ત્યારે મારો જન્મ પણ થયો નહોતો. મારો જન્મ ૧૯૪૮માં થયો હતો.
• સરોજ ખાને ૩ વર્ષની ઉંમરે કેરિયરની શરૂઆત કરી. તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘નજરાના’માં કામ કર્યું હતું.
• ૫૦ના દાયકામાં તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતાં હતાં સાથે સાથે જ બી. સોહનલાલ પાસે કોરિયોગ્રાફી શીખતાં હતાં. તેમણે સોહનલાલ સાથે લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરી લીધું હતું. નિર્મલા નામ બદલીને સરોજ ખાન કરી દીધું. તેઓ કહે છેઃ હું ૧૩ વરસની હતી અને મારા ગુરુ (સોહનલાલ) મારા કરતા વયમાં ૩૦ વરસ મોટા હતા. તેમણે એક દિવસ અચાનક જ મારા ગળામાં કાળો દોરો પહેરાવી દીધો અને અમારા લગ્ન થઇ ગયા. ત્યારે હું એ પણ નહોતી જાણતી કે તેમના અગાઉ લગ્ન થઇ ચૂક્યા છે અને ચાર સંતાનોના પિતા પણ છે.
• સરોજ ખાને ૧૪ વરસની કુમળી વયે પ્રથમ પુત્ર હમીદ ખાનને જન્મ આપ્યો, જે આજે ફિલ્મઉદ્યોગમાં રાજુ ખાન કોરિયોગ્રાફર તરીકે જાણીતો છે.
• ૧૯૬૫માં સરોજ ખાન તેમના પતિથી છુટા થઇ ગયા હતા. જોકે સોહનલાલને હૃદયરોગનો હુમલો આવતા તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા. આ પછી તેમને ત્યાં બીજા સંતાન - પુત્રી હીના ખાનનો જન્મ થયો. આઠ મહિના પછી સોહનલાલનું મૃત્યુ નીપજ્યું. સોહનલાલે સરોજ સાથેના સંબંધોથી થયેલા બાળકોને પોતાના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. આથી સરોજ ખાને એક સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કર્યો.
• ૧૯૭૫માં તેમણે એક બિઝનેસમેન સરદાર રોશન ખાન સાથે લગ્ન કર્યા અને આ લગ્નસંબંધથી તેમને એક પુત્રી જન્મી સકીના ખાન, જે હાલ દુબઇમાં ડાન્સ ઇન્સ્ટિટયૂટ ચલાવે છે.

કોરિયોગ્રાફ કરેલા લોકપ્રિય ગીતો

• ૧૯૮૭ - ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’નું હવા હવાઇ... અને કાટે નહીં કટ તે...
• ૧૯૮૮ - ફિલ્મ ‘તેજાબ’નું એક દો તીન...
• ૧૯૮૯ - ફિલ્મ ‘ચાંદની’નું મેરે હાથો મેં નવ નવ ચુરિયાં...
• ૧૯૯૦ - ફિલ્મ ‘થાણેદાર’નું તમા તમા લોગે...
• ૧૯૯૦ - ફિલ્મ ‘સૈલાબ’નું હમકો આજ કલ હૈ...
• ૧૯૯૨ - ફિલ્મ ‘બેટા’નું ધક ધક...
• ૧૯૯૩ - ફિલ્મ ‘બાઝીગરનું યહ કાલી કાલી આંખે...
• ૧૯૯૪ - ફિલ્મ ‘હમ દિલ દેચુકે સનમનું નીંબુડા નીંબુડા...
• ૧૯૯૪ - ફિલ્મ ‘ખલનાયકનું ચોલી કે પીછે ક્યા હૈ...
• ૧૯૯૪ - ફિલ્મ ‘મેં ખિલાડી તું અનાડી’નું ચુરા કે દિલ મેરા...
• ૧૯૯૪ - ફિલ્મ ‘અંજામનું ચને કે ખેત મેં...
• ૧૯૯૫ - ફિલ્મ ‘યારાના નું મેરા પિયા ઘર આયા ઓ રામજી...
• ૨૦૦૧ - ફિલ્મ ‘લગાન’નું રાધા કિસના જલે...
• ૨૦૦૨ - ફિલ્મ ‘દેવદાસ’નું ડોલા રે ડોલા...
• ૨૦૦૭ - ફિલ્મ ‘જબ વી મેટ’નું યહ ઇશ્ક હૈ...
• ૨૦૦૭ - ફિલ્મ ‘ગુરુ’નું બરસો રે મેઘા...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter