અસમના પૂરપીડિતોની વહારે બોલિવૂડ કલાકારો

Sunday 09th August 2026 06:02 EDT
 
 

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પૂરગ્રસ્ત રાજ્ય માટે તાત્કાલિક મદદની અપીલ કરી છે અને લોકોને રાહત કાર્યોમાં યોગદાન આપવા વિનંતી કરી છે.
અસમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હાલમાં દેશના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ છે, જેમાં અસમ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અસમે અત્યંત મુશ્કેલ સમયનો સામનો કરવો પડી રહ્યો છે. આ પૂરના કારણે 60 થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને લાખો લોકો બેઘર બન્યા છે. અનેક પરિવારોએ પોતાના ઘર, જમીન, પશુધન અને કેટલાક સ્વજનોને પણ ગુમાવ્યા છે. અભિનેત્રીએ ઉમેર્યું કે આ આપત્તિ દર વર્ષે આવે છે છતાં આપણે અગાઉથી અસજ્જ રહીએ છીએ. અસમને અત્યારે તાત્કાલિક સહાયની અને લાંબા ગાળાના પુનર્વસન માટે સમર્થનશક્તિની જરૂર છે. આગામી દિવસોમાં જમીન પર કામ કરતી સંસ્થાઓ દ્વારા મદદ પહોંચાડવાના માર્ગો તે શેર કરશે. બીજી તરફ, સલમાન ખાને પણ અસમમાં પોતાના એક ફેન કલબ સાથે મળીને રાહત અભિયાન શરૂ કર્યું છે. અભિનેતા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે સલમાન ખાન ફેન ક્લબ (SKFC) અસમ સાથે મળીને પ્રભાવિત લોકોને મદદરૂપ થઇ રહ્યું છે. અભિયાનના પ્રથમ તબક્કામાં ખોરાક, પાણી અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાઇ છે. ટૂંક સમયમાં રાશન કિટ, દવાઓ અને શૈક્ષણિક તથા તબીબી સંકુલોના પુન:નિર્માણ પર ધ્યાન અપાશે. આ ઉપરાંત, અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને લોકોને અસમ પૂરના પીડિતોને મદદ કરવા આગળ આવવા અપીલ કરી છે. ભૂમિએ જણાવ્યું કે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને અનેક ગામડાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. તેમણે લોકોને ખોરાક, ગાદલા, સ્વચ્છતા સામગ્રી અને બચાવ કામગીરી માટે દાન આપવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની મોસમમાં અસમ દર વર્ષે પૂરના વિનાશક પ્રભાવનો ભોગ બને છે. આ વર્ષે પણ સ્થિતિમાં ક્રમશ: સુધારો થવા છતાં પાંચ જિલ્લાઓમાં સાત લાખથી વધુ લોકો પ્રભાવિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter