આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સની ટીમના સ્ટાર બેટ્સમેન રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેદાન પર પોતાના આક્રમક અંદાજથી ક્રિકેટ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. આમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.
15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભલે રાજસ્થાન રોયલ્સ આઈપીએલની ફાઇનલમાં ન પહોંચ્યું હોય વૈભવે પોતાના આક્રમક બેટિંગથી જે પ્રભાવ છોડ્યો છે, તે ક્રિકેટપ્રેમીઓના મનમાં લાંબા સમય સુધી રહેશે.
બિગ બીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરીને વૈભવના જોરદાર વખાણ કર્યા છે. શુક્રવારે મોડી રાત્રે અમિતાભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતુંઃ ‘સૂર્યવંશી - 15 વર્ષનો અદ્ભુત સૂર્યા... આ ઉમરે તો અમે લખોટીઓ અને ગિલ્લી-દંડા પણ સરખી રીતે રમી શકતા નહોતા!’ ખૂબ જ નાની ઉંમરે અમિતાભ બચ્ચન જેવા સ્ટાર તરફથી પ્રશંસા મેળવવી એ વૈભવ માટે ખરેખર બહુ જ મોટી વાત ગણી શકાય. વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં 16 મેચમાં 776 રન કરીને અનેક ટાઇટલ જીત્યા છે. શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ જતાં વૈભવ મેદાન પર જ રડવા લાગ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.


