આજના સ્ટાર્સમાં અમિતાભ, શાહરુખ જેવો કરિશ્મા નથીઃ કરણ

Monday 27th June 2022 12:26 EDT
 
 

છેલ્લા કેટલાય સમયથી હિન્દી ફિલ્મો ઉપરાછાપરી ફ્લોપ થઈ રહી હોવાથી સમગ્ર ફિલ્મજગત ખળભળી ઉઠયું છે. ટોચના પ્રોડયૂસર કરણ જોહરે કબૂલ્યું છે કે અમે લોકો ઘેટાંશાહીનો ભોગ બન્યા છીએ. વધુમાં હવે સુપરસ્ટાર્સનો જમાનો ખતમ થઈ ગયો છે. આજના સ્ટાર્સમાં અમિતાભ કે શાહરુખ જેવો જાદૂ રતિભાર નથી. કરણે કહ્યું હતું કે અગાઉ દિલીપકુમાર કે બાદમાં અમિતાભ કે શાહરુખ જેવા કલાકારો માટે લોકો દિવાનગી અનુભવતા હતા. તેમની પર્સનાલિટીમાં એક પ્રકારની ઓરા હતી. તેઓ કોઈ પાર્ટીમાં કે અન્યત્ર ક્યાંય પણ હોય ત્યાં સૌથી ધ્યાનાકર્ષક બની જતા અને સૌ તેમના પ્રભાવમાં આવી જતા હતા.
કરણે પોતાની બર્થ-ડે પાર્ટીનો જ દાખલો આપતાં કહ્યું હતું કે આજના અન્ય સ્ટાર્સની જેમ શાહરુખ રેડ કાર્પેટ પર ચાલતો ચાલતો આવ્યો ન હતો. પરંતુ, તેમ છતાં પાર્ટીમાં તે જ છવાઈ ગયો હતો. આ વાત આજના સ્ટાર્સમાં ખૂટે છે. તેની સામે આજના સ્ટાર્સ વિશે લોકોને કશું જાણવાની જિજ્ઞાાસા જ નથી. તેઓ કોને મળ્યા, શું ખાધું, કયાં જિમમાં જાય છે, પિલાટે ક્લાસ કરે છે વગેરે બધી લોકોને ખબર હોય છે. આથી આ સ્ટાર્સની ફરતેનો રોમાંચ ખતમ થઈ ચૂક્યો છે. કરણે કહ્યું હતું કે હિંદી ફિલ્મ સર્જકો પાસે સાઉથના સર્જકો જેવો આત્મવિશ્વાસ નથી. અહીં બધા ઘેટાંશાહીમાં માને છે. ઉપરાંત પેઈડ પીઆરના કારણે હાલત વધારે બગડી છે. અમારે જેનાથી બચવું જોઈએ તે બધું અમે અપનાવી બેઠા છે. જ્યારે સાઉથવાળા કોઈની સ્વીકૃતિની પરવા કર્યા વિના પોતાને ધાર્યું જ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter