આણંદજીભાઈ વડાપ્રધાનને મળ્યા, પોતાની જીવનસફરનું પુસ્તક ભેટ આપ્યું મોદીને

Saturday 28th February 2026 08:22 EST
 
 

હિન્દી ફિલ્મસંગીતના અમર વારસામાં જેનું મહત્ત્વનું યોગદાન છે એવી સુવિખ્યાત સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનાં ગીતો આજે પણ ધૂમ મચાવે છે. 93 વર્ષની ઉંમરે પણ આણંદજીભાઈ એક નવયુવાન જેવી સ્ફૂર્તિ અનુભવે છે. તાજેતરમાં તેમણે દિલ્હીના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. સંસદસત્ર અને દેશ-વિદેશના અનેક મહાનુભાવો સાથેની મુલાકાત અને ચર્ચા-વિચારણામાં વ્યસ્ત હોવા છતાં વડા પ્રધાને તેમને પરિવાર સહિત ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું અને અડધો કલાક હળવા મિજાજમાં વાતો કરીને જૂની યાદો તાજી કરી હતી. વડાપ્રધાને આણંદજીભાઈને કહ્યું હતું કે હવે સેન્ચુરી પૂરી થાય એટલે મોટો જલસો કરીએ. તો આણંદજીભાઈનાં પત્ની શાંતાબહેનને કહ્યું હતું કે ‘કચ્છ જાઓ તો નવું કચ્છ ગમ્યું કે નહીં એનો રિપોર્ટ જરૂર આપજો.’

આ મુલાકાત દરમ્યાન આણંદજીભાઈએ કલ્યાણજી-આણંદજીના જીવનકવન અને સંગીતસફરનું આલેખન કરતા જાણીતા કટારલેખક રજની મહેતાનું પુસ્તક ‘જિંદગી કા સફર’ વડાપ્રધાનને ભેટ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ પુસ્તકના આલેખન અને પ્રસંગોની રજૂઆત બદલ આણંદજીભાઈને અને લેખકને અભિનંદન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આણંદજીભાઈ અને નરેન્દ્ર મોદીનો સંબંધ છેલ્લાં 30 વર્ષથી છે અને એ સમયના રસપ્રદ પ્રસંગોનું સુંદર વિવરણ આ પુસ્તકમાં થયું છે. તેમણે કહ્યું કે સમય મળતાં તેઓ જરૂર પુસ્તક વિશે પોતાનો પ્રતિભાવ મોકલાવી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter