આમિર ખાન અને વિવાદઃ એક સિક્કાની બે બાજુ

Wednesday 17th August 2022 06:31 EDT
 
 

બોલિવૂડમાં ‘મિ. પરફેક્ટનિસ્ટ’ તરીકેની ઓળખ ધરાવતો આમિર ખાન અને વિવાદ જાણે એકમેકના પૂરક બની ગયા છે. જોકે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના મામલે શરૂ થયેલો વિવાદ જોતાં તો એવું લાગે છે કે આમિર ખાનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. અગાઉ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો બોયકોટ કરવા હાકલ થઇ હતી. આ પછી ફિલ્મ રિલીઝ તો થઇ પણ નબળા કથાવસ્તુના કારણે એટલી પિટાઇ કે એકાદ હજાર શો કેન્સલ કરવા પડ્યા. અને હવે આમિર સામે ભારતીય સેનાનું અપમાન કરવા બદલ તેમજ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા બદલ દિલ્હી પોલીસમાં ફરિયાદ થઇ છે.
દિલ્હીના વકીલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે ફિલ્મમાં ઘણી આપત્તિજનક બાબતો છે. જેમ કે, ફિલ્મમાં માનસિક નબળી વ્યક્તિને સેનામાં સામેલ કરતી દર્શાવાઇ છે. એટલું જ નહીં, તેને કારગિલની લડાઇ લડતાં દર્શાવાઇ છે. હકીકત એ છે કે સેનાના સૌથી ઉત્તમ સૈનિકોને જ કારગિલ લડાઇ લડવા મોકલાયા હતા. વળી, તેમને આ યુદ્ધ માટે વિશેષ ટ્રેનિંગ અપાઇ હતી. આમ ફિલ્મમાં ભારતીય આર્મીના અપમાનનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત ફિલ્મના બીજા દૃશ્યમાં પાકિસ્તાની સૈનિક આમિરના પાત્ર લાલ સિંહને કહે છે કે, હું નમાઝ પઢ્યા પછી પ્રાર્થના કરતો હોઉં છું. લાલ, તું એવું કેમ નથી કરતો? ઉત્તરમાં લાલ સિંહ ચઢ્ઢા કહે છે કે, મારી માએ કહ્યું હતું કે, બધા પૂજાપાઠ મેલેરિયા જેવા છે ને એના કારણે જ દંગા-ફસાદ થાય છે. આ દૃશ્યમાં હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડાઇ છે.
ફિલ્મ રિલીઝ થતાં પૂર્વે જ વિવાદ
1994ની હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રિમેક એવી 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થતાં પૂર્વે જ વિવાદમાં સપડાઇ હતી. ફિલ્મના બોયકોટની માગ સાથે સોશ્યલ મીડિયામાં કેમ્પેઇન શરૂ થયું હતું. કારણ કે આમિર અને તેની પત્ની કિરણ રાવ ભૂતકાળમાં એક કરતાં વધુ વખત ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે દેશવિરોધી નિવેદનો કરી ચૂક્યા છે. ફરી ફરતાં થયેલાં આ નિવેદનોમાં આમિરને એવું કહેતા દર્શાવાયો છે તેની પત્ની (હવે ભૂતપૂર્વ) કિરણ દેશમાં રહેવામાં ડર અનુભવે છે. આ સાથે આમિરનું ગુજરાતના કોમી રમખાણો વિશેનું નિવેદન પણ ચર્ચામાં હતું. આમિર જોકે ભૂતકાળમાં આ નિવેદનો અંગે દિલગીરી વ્યક્ત કરી ચૂક્યો છે, પણ લોકો તેને માફ કરવાના મૂડમાં નથી. લોકોનું માનવું છે કે આ તો તેની ટેવ છે, પહેલાં બેફામ નિવેદન કરવા અને પછી વિરોધ થાય એટલે માફી માગવાનું નાટક કરવું.
બીજી તરફ, વિવાદ અંગે 'ક્વીન' કંગના રનૌતનું કહેવું છે કે, ફિલ્મ બોયકોટ કરવાની માગ આમિરનું ભેજાની ઉપજ છે. ફિલ્મ ફ્લોપ ન થાય તે માટે જ વિવાદ ઉભો કર્યો છે. તે ઇચ્છે છે કે ફિલ્મ અંગે વિવાદ થાય અને પબ્લિસીટી મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter