બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને (61) ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (47) સાથે ઘરસંસાર માંડ્યો છે. આમિરનાં આ ત્રીજી વારનાં જ્યારે ગૌરી સ્પ્રેટના આ બીજી વારનાં લગ્ન છે. મુંબઇમાં પાલી હિલ સ્થિત આમિરના નિવાસસ્થાને સાદા સમારંભમાં આ લગ્ન સંપન્ન થયાં હતાં. આમિરની અગાઉની બન્ને પત્નીનાં સંતાનો અને નવી પત્નીનો પુત્ર પણ લગ્નટાણે ખાસ હાજર રહ્યાં હતા. ફિલ્મ અને રાજકીય જગતના કેટલાક નજીકના સાથીઓની પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ હતી. જેમાં ઉદ્યોગજગતમાંથી રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી - નીતા અંબાણી તો રાજકીય ક્ષેત્રમાંથી આમિરના નજીકના મિત્ર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે, નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકર સહિતના જાણીતા નામોનો સમાવેશ થાય છે.
ગૌરી અને આમિર એકબીજાને 25 વર્ષ કરતાં વધુ સમયથી ઓળખે છે અને છેલ્લા કેટલાક સમયથી તેઓ રિલેશનશિપમાં હતા. બેંગલૂરુની રહેવાસી ગૌરી ફેશન, ફોટોગ્રાફી અને બ્યૂટી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, જેમાં બેંગલૂરુ સ્થિત સલૂન બિઝનેસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તે આમિર ખાન પ્રોડક્શન્સ સાથે પણ જોડાયેલી છે. છૂટાછેડા લઇ ચૂકેલી ગૌરીને સંતાનમાં એક પુત્ર છે. આમિર ખાનની ઉંમર હાલ 61 વર્ષ છે.
આમિર ખાન સાદા ઓફ-વ્હાઇટ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. તેણે કોઈ પણ પ્રકારના ફ્રિલ વગર પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં લગ્ન કર્યા હતા. નવપરિણીત ગૌરી સ્પ્રેટે હળવા સોનેરી-બેજ રંગનો સુંદર પરંપરાગત સૂટ પહેર્યો હતો, જેમાં બારિક ભરતકામ હતું. તેણે બ્રેઇડેડ પોનીટેલ, હળવા ગ્લોઇંગ મેકઅપ અને સિમ્પલ સ્મિત સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. લોકો ગૌરીની સાદગીપૂર્ણ, પણ આકર્ષક શૈલીને પસંદ કરી રહ્યા છે. ગૌરી, જે સામાન્ય રીતે સિમ્પલ લૂકમાં જોવા મળે છે, આ પ્રસંગે પહેલીવાર ખૂબ જ સુંદર રીતે પોશાક પહેરેલી જોવા મળી હતી.
લગ્નપ્રસંગે આમિરનો આખો પરિવાર અને સંબંધીઓ હાજર રહ્યા હતા. આમિર ખાનના પહેલા રીના દત્તા સાથેના લગ્નથી થયેલી પુત્રી આયરા તેના પતિ નુપુર શિખરે સાથે આવી હતી તો પુત્ર જુનૈદ પણ પિતાના લગ્નમાં હાજર રહ્યો હતો. અંબાણી દંપતી, રાજ ઠાકરે, આશુતોષ ગોવારીકર ઉપરાંત રમતગમતની દુનિયામાંથી ક્રિકેટર ઇરફાન પઠાણને આમંત્રણ હતું. તો ફિલ્મ ‘લગાન’માં બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતા અમીન હાજી, અભિનેતા-દિગ્દર્શક વીર દાસ વગેરે મુંબઇમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરાયું હોવા છતાં લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા. શનિવારે આમિરનું ઘર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું.
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ઘણા વર્ષો પહેલા બેંગલુરુમાં પ્રથમ વખત મળ્યા હતા. આ પછી, બંને તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને સંપર્ક ગુમાવી દીધો. લગભગ 25 વર્ષ પછી, તેઓ ફરીથી મળ્યા. તે મિત્રતા હતી, અને પછી ધીમે ધીમે પ્રેમ ખીલ્યો. બન્નેએ લાંબા સમય સુધી પોતાના સંબંધો ગુપ્ત રાખ્યા હતા. આમિરે માર્ચ 2025માં પોતાના 60મા જન્મદિવસે ગૌરીનો પહેલી વાર સત્તાવાર રીતે પરિચય કરાવ્યો હતો. આમિરે અનેક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગૌરીના આગમનથી તેના જીવનમાં શાંતિ અને સ્થિરતા આવી છે. તે કહે છે કે તે ગૌરી સાથે એક અલગ પ્રકારની ખુશી અને પોતીકાપણું અનુભવું છે. તેણે એમ પણ કહ્યું, ‘હવે હું સંપૂર્ણપણે પૂર્ણતા અનુભવું છું.’
આમિરે અગાઉ છૂટાછેડા કેમ લીધા હતા?
આમિર ખાને 1986માં પહેલી વાર રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા અને 2002માં છૂટાછેડામાં પરિણમ્યા. આ લગ્નથી તેમને બે સંતાનો છે. પુત્ર જુનૈદ હવે એક અભિનેતા છે, પુત્રી આયરા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને તાજેતરમાં નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. આમિર ખાને 2005માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યાં હતા. આમિર ખાન તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘એક દિન’ માટે સમાચારમાં છે. તેનો પુત્ર જુનૈદ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ દરમિયાન, તેણે એક ઇન્ટરવ્યુમાં વર્ષો પછી તેની બન્ને પત્નીઓ, રીના દત્તા અને કિરણ રાવથી છૂટાછેડા લેવાનું કારણ જાહેર કર્યું હતું. તેણે એવું કારણ રજૂ કર્યું હતું કે બન્ને પત્ની સાથે બધું સારું નહોતું. પોતે પોતાના પરિવારને સમય ન આપીને ભૂલો કરી હતી એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો.
આમિરને એક વાતનો અફસોસ
ઇન્ટરવ્યુ દરમિયાન, આમિર ખાને ખુલાસો કર્યો કે તેને હજુ પણ પોતાના બાળકો સાથે સમય ન વિતાવી શકવાનો અફસોસ છે. તેણે કહ્યું કે તેના વ્યસ્ત સમયપત્રકને કારણે, તે આયરા અને જુનૈદ સાથે સમય વિતાવી શક્યો નહીં. તે આ માટે પોતાને દોષી ઠેરવે છે. આમિર ખાને એવું પણ કહ્યું હતું કે કોઈ ભૂલ સ્વીકારવાથી કોઈ નાનું થઇ જતું નથી. તેણે કહ્યું, ‘મેં મારા પરિવાર સાથે પૂરતો સમય ન વિતાવવાની મારી ભૂલ સ્વીકારી છે. જોકે, હવે મેં તેને સુધારવાનું શરૂ કર્યું છે. હું હવે મારા પરિવાર સાથે શક્ય તેટલો સમય વિતાવવાનો પ્રયાસ કરું છું.’


