આમિર ખાનના ભાઇ ફૈઝલે પરિવાર સાથેના તમામ સંબંધ તોડ્યા

Sunday 31st August 2025 08:44 EDT
 
 

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પોતાના પરિવાર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં આમિર અને પરિવારના સભ્યો સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે જ પરિવાર સાથેના સંબંધો કાપી સ્વતંત્રતા તથા ગરિમા સાથે જીવનમાં નવા અધ્યાયના આરંભની આશા વ્યક્ત કરી હતી.

ફૈઝલે પોસ્ટમાં જણાવ્યું હતું કે, દુઃખી મન હોવા છતાં નવી હિંમતનો સંચાર થયો છે. પરિવાર સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હોવાનું જાહેર નોટિસથી જણાવું છું. આ પગલું ખૂબ કપરું છે, પરંતુ સ્વસ્થતા અને વિકાસ માટે જરૂરી છે. જીવનમાં સ્વતંત્રતા, ગરિમા અને સેલ્ફ-ડિસ્કવરી સાથે સકારાત્મકતા, સત્ય અને શક્તિને આવકારું છું. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એક ઈન્ટરવ્યૂમાં ફૈઝલે પરિવારજનો સામે બળાપો કાઢ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પરિવારે તેને પાગલ અને સમાજ માટે જોખમી ઠરાવવા પ્રયાસ કર્યો હતો. આમિર ખાને એક વર્ષ સુધી મુંબઈના એક ઘરમાં પૂરી રાખ્યો હતો.

ફૈઝલના આરોપોનો જવાબ આપતાં આમિર અને પરિવારે જણાવ્યું હતું કે, આ મામલે સંવેદનશીલતા રાખવાની જરૂર છે. આ અંગત મામલો છે અને ફૈઝલના આરોપોથી પરિવારને આઘાત લાગ્યો છે. તેણે માતા ઝીનત તાહિર હુસૈન, બહેન નિખત હેગડે અને ભાઈ આમિરને ખોટી રીતે ચીતર્યા છે. અગાઉ પણ તે આવું કરી ચૂક્યો છે. ફૈઝલને સ્વસ્થ રાખવા માટે નિષ્ણાત તબીબો અને પરિવારના સભ્યોએ સાથે મળીને પગલાં લીધા હતા. સમગ્ર પરિવારને ફૈઝલની ખૂબ ચિંતા છે અને તેઓ તેની કાળજી રાખવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter