આમિરના માતાનું 91 વર્ષની ઉંમરે ફિલ્મી પરદે ડેબ્યૂ

Wednesday 11th June 2025 07:15 EDT
 
 

આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મ ‘સિતારે ઝમીં પર’માં તેમના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાના છે. વાત જાણે એમ છે કે આ ફિલ્મમાં આમિર સાથે તેમની માતા ઝિનત ખાન અને બહેન નિકહત ખાન પણ જોવા મળશે. નિકહત પોતે પણ પ્રોફેશનલ એક્ટર છે પરંતુ આમિરના માતા પહેલીવાર રૂપેરી પડદે દેખાશે. આમિરના જણાવ્યા અનુસાર, આ બધું અચાનક થઈ ગયું. સામાન્ય રીતે મારી અમ્મી ક્યારેય મને કહેતી નથી કે તે મારી ફિલ્મના સેટ પર આવવા માગે છે પરંતુ ‘સિતારે ઝમીં પર’ના શૂટિંગ દરમિયાન એક દિવસ તેમણે મને ફોન કરીને પૂછ્યુંઃ ‘આપ કહાં શૂટિંગ કર રહે હૈં? હમકો ભી આના હૈ શૂટિંગ પે આજ...’ મેં તેમને કહ્યું કે, ‘ચલે આઈએ.’ મેં તેમના માટે કાર મોકલી અને તેઓ મારી બહેન સાથે સેટ પર વ્હીલચેરમાં આવ્યા. ત્યારે એક વેડિંગ સોંગનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને અમે બધા મોજમસ્તીના મૂડમાં હતા. એવામાં ફિલ્મના ડાયરેક્ટર આર.એસ. પ્રસન્નાએ આમિરને પૂછ્યું કે, સર, જો તમને વાંધો ન હોય તો તમે તમારા અમ્મીને શૂટિંગમાં જોડાવવા વિનંતી કરી શકો? આ ફિલ્મનું છેલ્લું સોંગ છે અને વેડિંગ સેલિબ્રેશન સિક્વન્સ છે તો તેઓ એક ગેસ્ટ તરીકે તેમાં હોઈ શકે છે. આમિર માટે આ લાગણીસભર બાબત હતી. તેઓ તેમની અમ્મી આ ફિલ્મનો હિસ્સો બને તેવું ઈચ્છતા હતા. પછી આમિરે તેમની અમ્મીને કહ્યું કે, ‘અમ્મી, પ્રસન્ના રિક્વેસ્ટ કર રહે હૈં કી આપ એક શોટ દો, એક ગેસ્ટ બનકે.’ ઝિનત ખાને તરત જણાવ્યું, ‘હાં, ઠીક હૈ...’ આમ, ‘સિતારે ઝમીં પર’ આમિરની એવી પહેલી ફિલ્મ હશે કે જેમાં તેઓ તેમની માતા સાથે દેખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter