લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક્ટર આમિર ખાનને ધમકી અપાતાં તેના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ટાયસન બિશ્નોઈ તેમજ આરજૂ બિશ્નોઈના નામથી મળેલી ધમકીમાં આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના થયેલા લગ્ન લવ જેહાદ હોવાનું કહેવાયું છે. ગેંગે ધમકી આપતાં કહ્યું છે કે આમિરના આ પ્રકારના કૃત્યને સહી લેવામાં નહીં આવે. ધમકી આપનારે કહ્યું છે કે ખુબ જલદી તેનો જવાબ આપવામાં આવશે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે શનિવારે એક પત્ર અને ઓડિયો મેસેજ જારી કરીને ધમકી આપી છે.
ગેંગે આ સાથે જ રાજસ્થાનના ગંગાનગરમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં પણ નેતાઓને ધમકી આપી છે. ગેંગ તરફથી કહેવામાં આવ્યું છે કે વહીવટીતંત્રના કામમાં જે લોકો હસ્તક્ષેપ કરી રહ્યા છે તેમને બક્ષવામાં નહીં આવે. આરજૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામે પત્ર જારી કરીને અપાયેલી ધમકીમાં આમિરને કહેવાયું છે કે, આપણી સંસ્કૃતિની વિરુદ્ધ જઈને દેશમાં લવ જેહાદને નામે આમિર ખાન જેવા નેતા લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને તેને સહી નહીં લઇએ. આ બાબત સંસ્કૃતિ અને દેશ બંને વિરૂદ્ધ છે. અમે દેશવાસીને વચન આપીએ છીએ કે અમે અમારી રીતે જવાબ આપીશું.’ મુંબઈ પોલીસે કહ્યું કે આમિર ખાન કે તેમની ટીમ તરફથી હજી કોઈ ફરિયાદ દાખલ નથી થઇ. મુંબઈ પોલીસ તપાસ શરૂ કરતાં પહેલાં વાયરલ પોસ્ટની સચ્ચાઈને ચકાસી રહી છે.
બીજી તરફ, આમિર ખાને તેનાં લગ્નોને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક રાજકીય વર્તુળોમાં ઉઠેલા ‘લવ જેહાદ’ના આરોપોનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું, ‘ગૌરી, કિરણ કે રીના – ત્રણેયમાંથી કોઈએ પણ પોતાનો ધર્મ બદલ્યો નથી. અમારા તમામ લગ્ન સિવિલ મેરેજ હતાં. ગૌરી હિન્દુ પણ નથી, તે ક્રિશ્ચિયન છે અને તે પણ પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન નથી. સમય જતાં જીવન વધુ રમુજી બનતું જાય છે.’ આમિરે ભારપૂર્વક જણાવ્યું કે તેમના સંબંધોમાં ધર્મ ક્યારેય નિર્ણાયક પરિબળ રહ્યો નથી. તેણે કહ્યું, ‘અમારો પરિવાર હંમેશા સર્વસમાવેશક રહ્યો છે. મારી બંને બહેનોએ હિન્દુ પરિવારમાં લગ્ન કર્યાં છે. મારી દીકરીએ પણ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં છે અને મારા કઝિન મન્સૂરે ક્રિશ્ચિયન મહિલા સાથે લગ્ન કર્યાં છે.’ આમિરના જણાવ્યા અનુસાર, તેમના સંબંધો હંમેશા પરસ્પર સન્માન અને વ્યક્તિગત પસંદગી પર આધારિત રહ્યા છે, ધર્મ પર નહીં.


