આમિર ખાન અને તેની દીકરી આયરા મેન્ટલ હેલ્થ આ બાબતે જાગૃતિ લાવવા અનેક વાર પ્રયાસ કરતા હોય છે. આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો વિષય પણ મેન્ટલ હેલ્થ આધારિત છે. આમિર અને તેમની દીકરી આયરાએ એક વાતચીત દરમિયાન આ બાબતે વધુ ચર્ચા કરી હતી. આયરાએ પોતાના મનમાં ઘર કરી ગયેલા અપરાધભાવ અને જીવનમાં ઉદ્દેશ શોધવા ચાલતી મથામણ અંગે વાત કરી હતી. આયરાએ જણાવ્યુ હતું કે, 26-27 વર્ષની ઉંમર થવા છતાં હજુ પોતે કંઈ કરતી નથી, તેવો ભાર મન પર રહ્યા કરે છે.
આયરાએ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અગાત્સુની સ્થાપના કરી છે. આયરાએ આ સંસ્થા શરૂ કરતાં પહેલા વેઠેલા માનસિક સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું હતું કે, માતા-પિતાએ મારા પર ઘણો ખર્ચ કર્યો છે. હું 26-27 વર્ષની છું અને દુનિયામાં બેકાર વ્યક્તિ છું. હું કંઈ કરતી નથી. દીકરીની આ નિખાલસ કબૂલાત પર સ્પષ્ટતા કરતા આમિરે કહ્યું હતું કે, આયરા કહેવા માગે છે, તે પૈસા નથી કમાતી. કંઈ સારું કામ નથી કરતી તેવું આયરા માને છે. આમિરે કમાણી સંદર્ભે સમાજની માનસિકતા અંગે વાત કરતા કહ્યું હતું કે, કેટલાક માણસો લોકોના કામમાં આવે છે અને તેના બદલામાં આવક મેળવે છે. જોકે નાણાં લેવા અથવા નહીં લેવા તે પસંદગીનો વિષય છે. લોકોના કામમાં આવીએ એટલું પૂરતું છે.
‘અગાત્સુ’માં આયરાના કામની વાત કરતા આમિરે કહ્યું હતું કે, તમે ઘણાં લોકોની મદદ કરી રહ્યા છો અને પિતા તરીકે મારા માટે આ મોટી વાત છે. તમે નાણાં કમાવ છો કે નહીં તે મારા માટે મહત્ત્વનું નથી. સારું કામ કરી રહ્યા છો તે મારા માટે મહત્ત્વનું છે. જીવનમાં નાણાંના મૂલ્ય અંગે વાત કરતા આમિરે કહ્યું હતું કે, સમાજની દૃષ્ટિએ તે પ્રોમિસરી નોટ જેવું છે. દરેક માણસે તેનું મૂલ્ય સ્વીકાર્યું છે, ના સ્વીકાર્યું હોત તો તે માત્ર કાગળના ટુકડા જ હોત. સફળતાના માપદંડ તરીકે નાણાંને જોવાની માનસિકતામાં કેટલાક માણસો અનફિટ હોઈ શકે છે, પરંતુ તેનાથી તેમનું મૂલ્ય ઘટી જતું નથી. દીકરીને સલાહ આપતાં આમિરે કહ્યું હતું કે, જીવનનો ઉદ્દેશ સમજો અને લોકોના કામ કરો તે પૂરતું છે.