‘યુનિસેફ ઈન્ડિયા’એ અભિનેતા આયુષમાન ખુરાનાને બાળકો માટેના એક અભિયાનમાં સામેલ કર્યો છે. બહુમુખી પ્રતિભા ધરાવતો આ અભિનેતા હવે બાળકો પર થતી હિંસા વિશે જાગૃતિ ફેલાવશે. તે ‘રાઈટ્સ ફોર એવરી ચિલ્ડ્રન’ હેઠળ બાળકો પર થતાં અત્યાચારો સામે જાગૃતિ ફેલાવશે. આયુષમાન કહે છે કે જે બાળકોને ક્યારેય સલામત બાળપણ નથી મળ્યું તેમની મને ચિંતા છે. ‘યુનિસેફ ઈન્ડિયા’ માટે મને સેલિબ્રિટી એડવોકેટ તરીકે આ વિષય પર કામ કરવાની તક મળી છે એ મારા માટે આનંદ અને ખુશીની વાત છે. હું માનું છું કે દરેકના જીવનનો આરંભ ઉત્તમ હોવો જોઈએ. હું જ્યારે મારા સંતાનોને સલામત અને સુખી માહોલમાં ઉછરતાં જોઉં છું ત્યારે હિંસાચારથી ત્રસ્ત બાળકોનો વિચાર આવે છે. હું આવા ભૂલકાંઓને મદદરૂપ થવા ઈચ્છું છું. જેથી તેઓ પણ હિંસારહિત માહોલમાં મોટા થઈને આવતીકાલના સારા નાગરિકો બને.’
બાળકોના અધિકારો માટે અવાજ ઉઠાવતી સેલિબ્રિટી તરીકે આયુષમાનને આવકારતાં ‘યુનિસેફ’ના ભારતીય પ્રતિનિધિ ડો. યાસ્મિન અલી હક કહે છે કે આ કલાકારે અનેક પડકારજનક ભૂમિકાઓ ભજવી છે અને પોતાના દરેક પાત્રો બખૂબી રજૂ કર્યાં છે. અમને ખાતરી છે કે તે બાળકો પર થતો હિંસાચાર રોકવાના અમારા અભિયાનમાં પણ મહત્ત્વની કામગીરી કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આયુષમાનના સપોર્ટથી આ મહત્ત્વના મુદ્દે વધુ જાગૃતિ ફેલાશે. વળી હાલના તબક્કે સર્વત્ર કોવિડ-૧૯નો કહેર વરતી રહ્યો છે. તેને કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉને લોકોને આર્થિક સંકટમાં મૂકી દીધાં છે. આવી સ્થિતિમાં બાળકો પરનો હિંસાચાર વધવાની ભીતિ છે. બહેતર છે કે આ મુદ્દે જાગૃતિ ફેલાવવામાં આવે.