નેશનલ જિયોગ્રાફિકે વર્ષ 2026 માટેની ‘નેશનલ જિયોગ્રાફિક 33’ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આ વર્ષના ગ્લોબલ ચેન્જમેકર્સનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા ભારતમાંથી વૈશ્વિક સ્તરે અસર કરનાર પ્રભાવશાળી અવાજ તરીકે સામેલ થઈ છે. નેશનલ જિયોગ્રાફિકના નિવેદન મુજબ, આ લિસ્ટમાં એવા 33 પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે, જે આજના સમયના સૌથી મહત્વના પડકારોને પહોંચી વળવા આગળ આવી રહ્યાં છે, નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યાં છે અને મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યાં છે.
નિવેદનમાં જણાવાયું હતું, ‘આ લોકો એવા સાહસિક વિચારકો અને સમસ્યા ઉકેલનારાં છે, જે માને છે કે આપણા વિશ્વને કલ્પનાશીલ ઉકેલો અને તાત્કાલિક પગલાંની જરૂર છે. સાથે સાથે જ તેઓ પરિવર્તન માટે આગળ વધી રહ્યાં છે. આલિયા ભટ્ટને તેનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા, પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને પર્યાવરણીય મુદ્દાઓ સાથે જોડવા માટે યાદીમાં સ્થાન અપાયું છે. તેની પ્રોડક્શન કંપની ‘ઇટર્નલ સનશાઇન’એ હાથીના શિકાર અંગેની તપાસ આધારિત મિનિ-સીરીઝને પ્રોડ્યુસ કરવામાં મદદ કરી છે અને ઈકો-ફિલ્મ ફેસ્ટિવલની ભાગીદારીમાં પર્યાવરણ આધારિત ફિલ્મમેકિંગને સમર્થન આપતી રહે છે. તેનાં પુસ્તકો બાળકોને પ્રાણીઓનાં દત્તક લેવાનું મહત્વ સમજાવે છે. જ્યારે ‘કોએક્ઝિસ્ટ’ નામનું તેમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પ્રાણીઅધિકાર માટે કાર્યરત સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે.’
પ્રિયંકા ચોપરાને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને ડાયાબિટીસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેના સતત પ્રયાસો બદલ યાદીમાં સ્થાન અપાયું છે. નિવેદનમાં જણાવાયું છે કે પ્રિયંકાએ તેનાં પતિ નિક જોનાસને મળ્યા બાદ ટાઇપ-1 ડાયાબિટીસ વિશે જાણકારી મેળવી, જેને 13 વર્ષની ઉંમરે આ રોગનું નિદાન થયું હતું. પ્રિયંકા કહે છે કે ‘નિક જોનાસે પુરવાર કર્યું છે કે આ રોગ સાથે જીવી શકાય છે અને સફળ પણ થઈ શકાય છે.’ પ્રિયંકા છેલ્લા પાંચ વર્ષથી, ‘બિયોન્ડ ટાઇપ 1’ નામની નોન-પ્રોફિટ સંસ્થા સાથે જોડાઈને ભારતમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ ફેલાવી રહી છે. યાદીમાં અન્ય વિખ્યાત નામોમાં હેરિસન ફોર્ડ, રસેલ વેસ્ટબ્રૂક, શૈલીન વૂડલી, ઇવાન મેકગ્રેગર, ઇડ્રિસ એલ્બા વગેરેનો સમાવેશ થાય છે, જે પોતાના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે કાર્ય કરી રહ્યા છે.


