આલિયા-રણબીરને ત્યાં લક્ષ્મીજી પધાર્યાંઃ કપૂર ખાનદાનમાં જશ્નનો માહોલ

Wednesday 09th November 2022 04:27 EST
 
 

બોલિવૂડનાં ક્યૂટ કપલ રણબીર કપૂર - આલિયા ભટ્ટ હવે મમ્મી-પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાનમાં આનંદનો માહોલ સર્જાયો છે. આલિયાએ સોમવારે બપોરે 12.05 કલાકે એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. સંયોગવસાત્ આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા, અને ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા સભ્યનું આગમન થયું છે. આ અગાઉ સવારે સાડા સાત વાગ્યે રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ પછી ભટ્ટ અને કપૂર ખાનદાનના સભ્યો પણ એક પછી એક હોસ્પિટલે પહોંચ્યા હતા.
આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દીકરી જન્મની વધામણીમાં કહેવાયું હતુંઃ ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી તરબોળ માતાપિતા બન્યાં છીએ.’ રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મ અંગે કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે.
બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા-રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બનવાની હોવાનું જાહેર કર્યું હતું.
બેબીનું નામ અલમા રાખશે?
એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને ‘અલમા’ નામ બહુ પસંદ છે. જો પોતાને દીકરી જન્મશે તો તેનું નામ ‘અલમા’ રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે.
ભાવિ સુપરસ્ટારનો જન્મ
આલિયા-રણબીરને ત્યાં નવજાત શિશુનું આગમન થયાને 24 કલાક પણ નથી થયા ત્યાં તેનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. એક અહેવાલમાં જણાવાયું હતું કે આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક પાંચ છે. આલિયા માટે 30મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે. જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરાશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter