ભારતીય ફિલ્મજગતનાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું વિતેલા પખવાડિયે 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોરના નિધન થયું, પણ દિગ્ગજ કલાકારો આજેય તેમની સાથેની યાદોને તાજી કરી રહ્યાં છે. 12 હજાર કરતાં વધુ ગીતો અને આઠ દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવનારા આ ગાયિકા વિવિધ શૈલીમાં ગીતો ગાઈ ભારતના સૌથી બહુમુખી સ્વરમાં એક એવો અમૂલ્ય વારસો છોડીને ગયા છે. આ ગાયિકાની અંતિમ સ્મૃતિને યાદ કરતાં એક વેળાનાં પીઢ અને સફળ અભિનેત્રી મુમતાઝે જણાવ્યું, ‘જ્યારે મેં સાંભળ્યું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હું ત્યાં દોડી ગઈ... હું તેમની સાથે વાતો કરવા માગતી હતી, પરંતુ તબીબોએ અમને કહ્યું તેમની સ્થિતિ ઘણી ગંભીર છે.’
મુમતાઝ કહે છે કે ‘આથી, થોડીવાર પછી હું હોસ્પિટલ છોડીને રવાના થઇ રહી હતી ત્યારે તેના પરિવારના સભ્યોએ મને ફોન કરીને કહ્યું કે તેમનું નિધન થયું છે. બીજા દિવસે હું તેમના ઘરે ગઈ અને જ્યારે મેં આશાજીને જોયાં ત્યારે તેમના ચહેરા પર એક ચોક્કસ પ્રકારનું નૂર ઝળકતું હતું.’
ઉલ્લેખનીય કે અભિનેત્રી મુમતાઝ અને ગાયિકા આશા ભોંસલેની જોડીએ તો સંખ્યાબંધ સુપરહીટ ગીતો આપ્યા છે. જેમાં ‘કોઈ શહેરી બાબુ...’ (‘લોફર’ 1973), ‘દુનિયા મેં લોગો કો...’ (‘અપના દેશ’, 1972)નો સમાવેશ થાય છે.
78 વર્ષનાં મુમતાઝે કહ્યું હતું, ‘આશાજી હંમેશા મને કહેતા કે ‘આજા ઓ મેરે રાજા...’ ગીત મારા અવાજની વિવિધતાને કારણે તેમની કારકિર્દીનું સૌથી મુશ્કેલ ગીત રહ્યું છે.’


