હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહારથી એવા ત્રણેય ખાન સ્ટાર્સે ચાહકોને ઈદની શુભેચ્છા આપી છે. શાહરુખ ખાનને ઈદની શુભેચ્છા આપવા શનિવારે સવારથી તેમના ‘મન્નત’ બંગલો બહાર ચાહકોની વિશાળ ભીડ એકઠી થઈ હતી. સવારે શાહરુખે ઘરની બારીમાંથી ચાહકોને ‘ઈદ મુબારક’ કહ્યું હતું. શાહરુખની સાથે તેમનો નાનો દીકરો અબરામ પણ હતો. ઘરની બહાર ભેગા થયેલા ચાહકો પોતાને વધારે સારી રીતે પોતાને જોઈ શકે તે માટે શાહરુખ ખાન બાલ્કનીની ગ્રિલ પર ઊભો થઈ ગયો હતો. શાહરુખની ઝલક જોવા મળતાં જ ચાહકોની ચિચિયારીથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. તેમણે હાથ હલાવીને અને નમસ્કાર કરીને ચાહકોનો આભાર માન્યો હતો. ઈદના આગલા દિવસે જ ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’ ફિલ્મ રિલીઝ કરનારા સલમાનના નિવાસસ્થાનની બહાર પણ મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. સલમાને પિતા સલીમ ખાન સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. સલમાને પોતાના પરિવારના સભ્યો સાથે ઈદ મનાવી હતી. બોલીવૂડના ત્રીજા ખાન આમિર ખાને ચાહકો અને પરિવાર સાથે ઈદની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે તે સલમાનના ઘરે ગયો હતો અને ‘ભાઈજાન’ સાથે ઈદની શુભેચ્છાની આપલે કરી હતી. ત્રણેય ખાને સોશિયલ મીડિયા પર ઈદની ઉજવણીના ફોટો-વીડિયો શેર કર્યા હતા. સલમાને 24 એપ્રિલે દુબઈમાં ઈદ ઉજવી હતી.