એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝે સત્તાવાર લગ્ન કરતાં પહેલાં પ્રેગનન્સી ધારણ કરી છે. ઈલિયાનાએ પોતે જ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં નેટિઝન્સ સતત સવાલ પૂછી રહ્યા છે કે, આ બાળકના પિતા કોણ છે? વર્ષો અગાઉ એક્ટ્રેસ નીના ગુપ્તાએ લગ્ન વગર દીકરીને જન્મ આપ્યો હતો. નીના ગુપ્તાએ એકલા હાથે દીકરીને ઉછેરી હતી અને આજે તેમની દીકરી મસાબા જાણીતી ડિઝાઈનર છે. નીના ગુપ્તાએ લગ્ન વગર દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ દીકરીના પિતા વેસ્ટ ઈન્ડિઝના લીજન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ હોવાનું સ્વીકાર્યું હતું. ઈલિયાનાએ એક ટી-શર્ટનો ફોટો શેર કર્યો છે, જેના પર લખ્યું છે, ‘એન્ડ સો ધ એડવેન્ચર બિગિન્સ’. આ સાથે ઈલિયાનાએ કેપ્શનમાં પ્રેગનન્સીની માહિતી પણ આપી છે. ઈલિયાનાએ લગ્ન પહેલાં જ આવી જાહેરાત કરી દેતાં આશ્ચર્ય ફેલાયું છે. ઈલિયાનાની આ પોસ્ટ બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે સવાલો પૂછ્યા હતા. ઈલિયાનાએ કોની સાથે લગ્ન કર્યા છે? આ બાળકનો પિતા કોણ છે? જેવા સવાલો સામાન્ય રીતે પૂછાયા હતા. ઈલિયાનાએ અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે મોટા બેનરની ફિલ્મો કરી છે. પાછલા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર રહેવા છતાં ઈલિયાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈલિયાનાને માતૃત્વ ધારણ કરવા બદલ શુભેચ્છા આપવાની સાથે અનેક લોકોને એ સવાલ મૂંઝવી રહ્યો છે કે, શું તે પણ નીના ગુપ્તાની જેમ એકલા હાથે સંતાનને ઉછેરવાનો નિર્ણય કરશે કે પછી ટૂંક સમયમાં લગ્નની જાહેરાત કરશે? ઈલિયાના તરફથી આ અંગે કોઈ જવાબ અપાયો નથી.