ઈમરાન ખાન હાઇકોર્ટ પહોંચ્યોઃ ભારત છોડવાની નોટિસ પડકારી

Saturday 24th October 2026 07:01 EDT
 
 

અભિનેતા ઇમરાન ખાને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા અપાયેલી નોટિસને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે. યુએસ સિટિઝનશીપ ધરાવતા ઇમરાનને ફોરેનર્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એફઆરઆરઓ ની નોટિસને ગેરકાયદે, વિકૃત, કઠોર અને કાયદાની દૃષ્ટિએ ખરાબ ગણાવીને આ નોટિસ રદ કરવા અને વચગાળાની રાહતમાં પ્રક્રિયા પર રોક લગાવવાની વિનંતી કરાઈ છે. અરજીમાં જણાવ્યું છે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકને શાંતિપૂર્ણ વિરોધમાં ભાગ લેવાથી પ્રતિબંધીત કરતી કોઈ જોગવાઈ નથી. વળી, નોટિસમાં કોઈ કારણ, પૂરક માહિતી કે ચોક્કસ કાયદાકીય ઉલ્લંઘનનો ખુલાસો કરાયો નથી. અરજીમાં ખાને દલીલ કરી છે કે એક્ઝિક્યુટિવ અધિકારીઓએ તેમને કોઈ પૂર્વ સુનાવણી આપી નથી, ઓસીઆઈ તરીકેના તેમના કાનૂની અધિકારોને બાયપાસ કર્યા હતા અને રાજકીય સોશિયલ મીડિયા ઝુંબેશનો ઉતાવળમાં પ્રતિસાદ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઇમરાન ખાન, તેની પાર્ટનર લેખા વોશિંગ્ટન અને પિતરાઈ બહેન ઝેન મેરી ખાન સાથે સામેલ થયા હતા. આ સમયે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા અને બાદમાં છોડી મૂક્યા હતા. આ ઘટના બાદ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે વિદેશી નાગરિકતા ધરાવતા ઈમરાન ખાનનું ભારતમાં કોઈ આંદોલન કે પ્રદર્શનમાં ભાગ લેવું એ નિયમોનું ઉલ્લંઘન છે. આ ફરિયાદના પગલે એફઆરઆરઓએ તેને નોટિસ પાઠવીને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવા જણાવ્યું હતું.

કમબેક પ્લાન પર પાણી ફરી વળ્યું

ઇમરાન ખાન 11 વર્ષના લાંબા બ્રેક બાદ ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’થી કમબેક કરવાની તૈયારી કરી રહ્યો, પરંતુ કાનૂની વિવાદના કારણે તેની આ યોજના મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઈમરાન ખાન છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતા. દાનિશ અસલમના નિર્દેશનમાં બની રહેલી તેમની નવી ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં છે અને નેટફ્લિક્સ પર તેને આગામી 18 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવાનું આયોજન હતું. આ અનિશ્ચિતતાને કારણે નેટફ્લિક્સ અને ફિલ્મની ટીમે દિવાળી પછી શરૂ થનારું પ્રમોશન કેમ્પેઈન અટકાવી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter